બેચરાજી ગ્રામ પંચાયતની ચૂંટણીના ત્રણ મહિના બાદ હવે નગરપાલિકાની જાહેરાત
- સરકારના આ નિર્ણયથી સ્થાનિકો રોષે ભરાયા,
- નવી વોર્ડ રચના સાથે છ માસમાં ચૂંટણી કરવી પડશે,
- બેચરાજી નગપાલિકામાં હવે વહિવટદારનું શાસન
મહેસાણાઃ ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકા અધિનિયમ-1963 હેઠળ "બેચરાજી મ્યુનિસિપાલિટી"ની રચનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગના જાહેરનામા અનુસાર બેચર-બેચરાજી વિસ્તારને મ્યુનિસિપાલિટીમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે. પરંતુ સરકારના આ નિર્ણયથી સ્થાનિકો રોષે ભરાયા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. કારણ કે હજુ ત્રણ મહિના પહેલા જ ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યાં નગરપાલિકાની જાહેરાત કરાતા હવે 6 મહિના વહિવટદારનું શાસન આવશે.
મહેસાણાના બેચરાજી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલા જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બેચર-બેચરાજી મ્યુનિસિપાલિટીના સ્થાનિક વિસ્તારમાં આવેલી સરકારી જમીન આ મ્યુનિસિપાલિટીના અધિકાર ક્ષેત્રમાં નહીં આવે. રાજ્યપાલના આદેશથી બહાર પાડવામાં આવેલા આ ઠરાવને કાનૂની માન્યતા આપવામાં આવી છે. પરંતુ ત્રણ મહિના પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી થયેલી હોવાથી હવે નગરપાલિકાની જાહેરા થતા બેચરાજીમાં સરકારના નિર્ણયે લોકો રોષ ભરાયા છે. ત્રણ મહિના પહેલા જ બેચરાજી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેથી હાલમાં અહીં નવી ચૂંટાયેલી બોડી કાર્યરત છે ત્યારે અચાનક જ મ્યુનિસિપાલિટીની જાહેરાત થતા સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટાયેલી ગ્રામ પંચાયતના સભ્યોમાં રોષ ફેલાયો છે અને તેઓ સરકારના આકસ્મિક નિર્ણયને અયોગ્ય ગણાવી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ હવે ફરી નગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોવાથી સરકારી તિજોરીમાંથી જાહેર નાણાંનો વધારાનો ખર્ચ થશે.
વિપક્ષી પક્ષો અને સ્થાનિક સંગઠનો આ મુદ્દે સરકારની ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે એક જ વિસ્તારમાં ત્રણ મહિનામાં બે વખત ચૂંટણી યોજવી એ અંધેર વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે. સાથે સ્થાનિક સ્તરે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે જો વિસ્તારને નગરપાલિકા તરીકે જાહેર કરવાની તૈયારી હતી તો ત્રણ મહિના પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી શા માટે યોજાઈ? આ કારણે સરકારના હેતુ પર સવાલો ઊભા થયા છે.