આજની પેઢી મને હેરાફેરીના પાત્ર શ્યાનના નામથી જ ઓળખે છેઃ સુનિલ શેટ્ટી
ફિલ્મ 'હેરા ફેરી' માં, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ અને અક્ષય કુમારની ત્રિપુટીએ એટલો સારો અભિનય કર્યો હતો કે આજે પણ દર્શકો તેમના દ્વારા ભજવાયેલા પાત્રોને યાદ કરે છે. તાજેતરમાં, સુનીલ શેટ્ટીએ ફિલ્મ 'હેરા ફેરી' માં તેમના પાત્ર શ્યામ વિશે વિગતવાર વાત કરી હતી. અભિનેતાએ જણાવ્યું હતું કે, આજની પેઢી તેમને તેમના નામ કરતાં તેમના પાત્રથી વધુ ઓળખે છે.
સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, 'આજની પેઢી મને ઓળખતી નથી, હું નવી પેઢીમાં સુનીલ શેટ્ટી તરીકે નહીં પણ 'હેરા ફેરી' માંથી શ્યામ તરીકે ઓળખાવુ છે. આજની પેઢીએ મારી ફિલ્મો જોઈ નથી. પરંતુ જ્યારે તમે તેમને 'શ્યામ' નું પાત્ર કહો છો, ત્યારે તેઓ મને ઓળખે છે.'
સુનીલ શેટ્ટીએ વધુમાં જણાવ્યું હતું કે, 'બાળકો કોઈ પાત્ર સાથે સંબંધ બાંધે છે અને આવું ત્યારે જ બને છે જ્યારે કોઈ મહાન દિગ્દર્શક તેની વાર્તા અને પાત્રને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે. 'હેરા ફેરી'નું સંગીત પણ અદ્ભુત હતું, તેમાં 'પો પો...' ગીત પણ અનોખું હતું. તેવી જ રીતે, લોકોને 'ધડકન' અને 'બોર્ડર'ના ગીતો યાદ આવે છે. આજે, જો તમે 'સંદેશ આતે હૈ...' ગીત ક્યાંય પણ વગાડો છો, તો લોકો રડવા લાગે છે, ભાવુક થઈ જાય છે. આ રીતે, આપણા પાત્રો અને જૂના ગીતો લોકો સાથે જોડાય છે.'
'હેરા ફેરી 3' વિશે ઘણી ચર્ચા થઈ રહી છે, સુનીલ શેટ્ટી પણ આ ફિલ્મનો ભાગ છે. આ ઉપરાંત, તે 'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મમાં જોવા મળશે. તાજેતરમાં, સુનીલ શેટ્ટીની ફિલ્મ 'કેસરી વીર' પણ રિલીઝ થઈ હતી, જેમાં તેણે એક યોદ્ધાની ભૂમિકા ભજવી હતી.