આજે દિવાળી, કાલથી શિયાળાનું વિધિવત આગમન, છતાંયે ઠંડી કેમ પડતી નથી
- હવામાન વિભાગ કહે છે, હજુ એક સપ્તાહ ઠંડી પડવાના કોઈ એંધાણ નથી,
- 7 દિવસ સહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય,
- રણ પ્રદેશના ગરમ પવનો ફુકાતા ઉષ્ણતામાનમાં વધારો થયો
અમદાવાદઃ આજે દિવાળી છે, અને કાલે શુક્રવારથી કારતક મહિનાનો પ્રારંભ થશે સાથે શિયાળો બેસી જશે. છતાંયે હજુ ઠંડી પડતી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં પરોઢે ઠંડીનો થોડો ચમકારો અનુભવાય છે, પણ અમદાવાદ સહિત મહાનગરોમાં તો ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ શુષ્ક રહેશે. આગામી 7 દિવસ હજુ પણ મહત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે. એટલે કે, આગામી 7 દિવસ દરમિયાન હજુ પણ ઠંડી પડવાના કોઈ એંધાણ નથી.
દિવાળી બાદ સામાન્ય રીતે ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ઠંડીની શરૂઆત થઈ શકે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. હાલમાં ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. જેને કારણે હજુ પણ ઠંડીની શરૂઆત થઈ શકી નથી. કારણ કે, રણ પ્રદેશમાંથી સૂકા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે. જેથી ગુજરાત રાજ્યનું વાતાવરણ પણ શુષ્ક બન્યું છે તથા આગામી 7 દિવસ હજુ પણ શુષ્ક વાતાવરણ રહેવાની શક્યતા છે. જો કે અમદાવાદ શહેરના મહત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. પરંતુ તેનાથી વધુ વધારો કે ઘટાડો થવાની શક્યતા નથી.
હવામાન વિભાગે કહ્યું કે શહેરમાં મંગળવાર રાતથી ઉત્તર પશ્ચિમથી પવનો ફૂંકાવાના શરૂ થયા છે. જેની અસરથી લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જો કે 5 નવેમ્બરથી રાત્રિનું તાપમાન 1થી 2 ડિગ્રી ઘટતા ઠંડી વધી શકે છે. આગામી 4-5 દિવસ હવામાનમાં વધુ ફેરફાર થશે નહીં. એટલે કે આવનારા એક સપ્તાહ દરમિયાન હવામાન સૂકું રહેશે. હવામાન વિભાગે કહ્યું કે અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રી પહોંચ્યું છે. જે સામાન્ય તાપમાન કરતા વધારે છે. એટલે કે હજુ ઠંડીની શરૂઆત થઈ નથી. લઘુત્તમ તાપમાન પણ 23 ડિગ્રી આસપાસ છે.