આજે ગુરૂપુષ્ય નક્ષત્ર, અસહ્ય ભાવને લીધે સોના-ચાંદીના દાગીનાની ખરીદી ઘટી
- જ્વેલર્સના શોરૂમમાં ગ્રાહકોની પાંખી હાજરી,
- કેટલાક લોકોએ મૂહુર્ત સાચવવા નામ પુરતી ખરીદી કરી,
- દર વખતે ગુરૂપુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદ કરનારા ખરીદીથી દુર રહ્યા
અમદાવાદઃ આજે ગુરૂવારે ગુરુપુષ્ય નક્ષત્ર હોવાથી દર વખતની જેમ સોના-ચાંદીના દાગીનાની ઘૂમ વેચાણ થશે એવી જ્વેલર્સને આશા હતી. પરંતુ સોનાના પ્રતિ 10 ગ્રામના 81 હજારથી વધુ ભાવ પહોંચતા મોટાભાગના ગ્રાહકો સોના-ચાંદીના દાગીના ખરીદીથી દુર રહ્યા હતા. અને જે લોકો દર વર્ષે સોનાના દાગીનાની ખરીદી કરતા હતા તેમને મહુર્ત સાચવવા માટે બેથી 5 ગ્રામના દાગીનાની ખરીદી કરી હતી. મોટાભાગના જ્વેલર્સના કહેવા મુજબ આ વખતે 50 ટકા જેટલી ખરીદારી ઘટી છે. જો કે કેટલાક જ્વેલર્સના કહેવા મુજબ ગોલ્ડ પર ઇન્વેસ્ટ કરનારા ગ્રાહકોની સંખ્યા વધી છે.
આજે ગુરૂપુષ્ય નક્ષત્ર હોવાથી લોકો સોના-ચાંદીના આભૂષણોની ખરીદી કરશે એવી જ્વેલર્સને આશા હતી, દર વખતે ગુરૂપુષ્ય નક્ષત્રના દિને લોકો સારીએવી ખરીદી કરતા હોય છે. ગુરૂપુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. પરંતુ આ વખતે સોનાના ઓલટાઈમ હાઈ ભાવને લીધે લોકોની ખરીદીની બજેટ ખોરવાઈ ગયું હતું. શહેરના એક જ્વેલર્સના શોરૂમના ડાયરેક્ટરના કહેવા મુજબ પુષ્ય નક્ષત્રના દિવસે સામાન્ય દિવસોની સરખામણીમાં સોના-ચાંદીનાં ઘરેણાંની ખરીદી શુભ માનવામાં આવે છે. ત્યારે આ દિવસે ખરીદદારોની સંખ્યા પણ વધી જાય છે. જે લોકો પણ ખરીદી કરવા માટે આવે છે તેઓ ઓછા પ્રમાણમાં પણ સોના-ચાંદીની ખરીદી કરીને જાય છે. પરંતુ હાલમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે, સોનું અને ચાંદી બંને ઓલ ટાઈમ હાઈ પ્રાઈઝ ઉપર ચાલી રહ્યાં છે. જેમાં સોનું 81 હજારની આસપાસ જ્યારે ચાંદી એક લાખ રૂપિયાની આસપાસ ચાલી રહી છે તેના લીધે ગુરુપુષ્ય નક્ષત્રમાં ખરીદીમાં 50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
શહેરના અન્ય એક જ્વેલર્સના કહેવા મુજબ ગુરુપુષ્ય નક્ષત્રના દિવસે ખરીદી માટે કેટલાક ગ્રાહકો એડવાન્સ બુકિંગ કરાવતા હોય છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ખરીદારી ઘટી છે. જે રીતે સોનાના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે તેના કારણે ઇન્વેસ્ટર આજના દિવસે સોનું ખરીદી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં વધારે રસ બતાવી રહ્યા છે. આજે પુષ્ય નક્ષત્રના દિવસે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 81000 રૂપિયા નોંધાયો છે. જ્યારે ચાંદી પ્રતિકિલો 1 લાખ રૂપિયા છે તેમ છતાં લોકો મુહૂર્ત પર સોના અને ચાંદીની ખરીદી કરતા જોવા મળ્યા હતા. પૈસાની બચત કરવા કરતાં અને ખાસ કરીને બેંકમાં પૈસા જમા કરવા કરતાં લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે સોનાની ખરીદી કરી રહ્યા છે.