વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
- વરસાદ પડતા જ વીજળી પુરવઠો ખોરવાય ગયો
- વહેલી સવારે વરસાદને લીધે દૂધનું વિતરણ પણ ન કરી શકાયું
- ખંડેરાવ માર્કેટમાં પણ શાકભાજીની ગાડીઓ પહોંચી ન શકી
વડોદરાઃ શહેરમાં ગત મોડી રાત બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. અને આજે બુધવારે બપોરના 2 વાગ્યા સુધીમાં પણ ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તેમજ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. શહેરમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.
વડોદરા શહેરમાં ગત મોડી રાતથી આજે બપોર સુધીમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં લોકોને ભારે મુશ્કેલીને સામનો કરવો પડ્યો હતો. ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને પગલે નોકરી ધંધાર્થે જનારા લોકોને રેઇનકોટ પહેરી જવાની ફરજ પડી હતી. વરસાદ શરૂ થતાં વહેલી સવારે દૂધ કેન્દ્રોના સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. દૂધ કેન્દ્રોના સંચાલકોને છત્રી અને રેઇનકોટ સાથે દૂધ વિતરણ કરવાની ફરજ પડી હતી. તો વહેલી સવારે દૂધ લેવા જતાં લોકોને પણ તિજોરી-પટારાઓમાથી છત્રીઓ બહાર કાઢવાની ફરજ પડી હતી.
આ ઉપરાંત વહેલી સવારે ન્યૂઝ પેપર વિરરણ કરતાં વિતરકોને પણ રેઇનકોટ પહેરીને જવું પડ્યું હતું. માર્ગો ઉપર પાણી ભરાઇ જતાં વહેલી સવારે નોકરી -ધંધાર્થે નીકળનાર લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ભારે વરસાદને કારણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અને ખંડેરાવ શાક માર્કેટમાં શાકભાજી, ફ્રૂટ, ફૂલો જેવી જથ્થાબંધ બજારમાં અસર જોવા મળી હતી. શહેરમાં સામવાર સાંજથી વરસાદી માહોલ સર્જાયો છે. અને આજે બુધવારે બપોર સુધીમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ વરસતા કેરી, કેળ, બાજરીના પાકને મોટું નુક્સાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.આજે વરસાદને કારણે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી ઉપર અસર પડી હતી.