ભીમનાથમાં શનિવારે અમાસના દિને લોકમેળા લીધે ત્રણ ટ્રેનોને સ્ટોપેજ અપાશે
- ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા લેવાયો નિર્ણય,
- ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 2 મિનિટ માટે રોકાશે,
- ગાંધીગ્રામ-બોટાદ-ગાંધીગ્રામ મેમુ ટ્રેન પણ ભીમનાથ સ્ટેશન પર 2 હોલ્ટ કરશે
ધંધુકાઃ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ધંધુકા નજીક આવેલા પૌરાણિક ભીમનાથ મહાદેવના મંદિર ખાતે શનિવારને અમાસની દિને લોકમેળો યોજાશે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. ત્યારે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા તા.23મીને શનિવારે એક દિવસ માટે ભીમનાથ રેલવે સ્ટેશન પર ત્રણ ટ્રેનોને સ્ટોપેજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેથી હવે અમદાવાદ અને ભાવનગરથી લોકોને ભીમનાથ દાદાના દર્શન માટે આવવા માટે ટ્રેનની સુવિધા મળી રહેશે.
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા “ભીમનાથ મહાદેવ ધાર્મિક મેળા” દરમિયાન ભીમનાથ રેલવે સ્ટેશન પર 23.08.2025 શનિવારે ત્રણ ટ્રેનોની ખાસ સુવિધા આપવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 20965, 20966 ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ માત્ર એક દિવસ માટે તા.23.08.2025 શનિવારે ભીમનાથ સ્ટેશન પર 2 મિનિટ માટે રોકાશે. ટ્રેન નંબર 59553, 59554 ગાંધીગ્રામ-બોટાદ-ગાંધીગ્રામ મેમુ ટ્રેન તા.23એ ભીમનાથ સ્ટેશન પર 1 મિનિટની જગ્યાએ 2 મિનિટ રોકાશે આ વ્યવસ્થા માત્ર એક દિવસ પુરતી મર્યાદિત રાખવામાં આવી છે. ટ્રેન નંબર 59555, 59556 ગાંધીગ્રામ-બોટાદ-ગાંધીગ્રામ મેમુ ટ્રેન તા.23ના રોજ ભીમનાથ સ્ટેશન પર 1 મિનિટની જગ્યાએ 2 મિનિટ રોકાશે.