મોટીબરૂ ગામ પાસે હાઈવે પર બે બોલેરો પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત
- ખંભાતના દેઢા ગામે મામેરાનો પ્રસંગમાંથી પરત ફરતાં પરિવારને અકસ્માત નડ્યો
- બેના ઘટના સ્થળે અને બાળકીનું સારવાર દરમિયાન મોત
- અકસ્માત બાદ બોલેરોના ચાલક નાસી ગયો
ધોળકાઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે મોટી બોરૂ નજીક હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. મોટી બોરૂ ગામ નજીક ઢાંઢીના પુલ પાસે સામસામે બે બોલેરો પીકઅપ ડાલા અથડાતાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે 10 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ પીકઅપ બોલેરોનો ચાલક વાહન મુકી નાસી ગયો હતો.
આ બનાવની વિગત એવી છે કે, બુધાભાઈ દાનુભાઈ રાઠોડ (કો.પટેલ) રહે, આનંદપુર, નવાગામ તા,ધોલેરાએ તા 23-05-2025ના રોજ ફરીયાદ નોંધાવી હતી કે, તેમના નાના બહેન ગંગાબેનના લગ્ન ખંભાત તાલુકાના દેઢા ગામે થયેલા છે. ભાણીના લગ્ન હોય તા.20-05-2025ના સવારના 9:00 વાગે ગામના રામજીભાઇ જેસીંગભાઇ મકવાણા (કો.પટેલ)નું પીકઅપ બોલેરો નં.GJ-23-Y-2961 લઈ અને દેઢા ગામે જવા નીકળ્યા હતા.ત્યાં મામેરું ભરી પ્રસંગ પુર્ણ કરી બપોરે દેઢાથી પીકઅપ બોલેરો લઇને આનંદપુર નવાગામ ખાતે પાછા આવવા નીકળ્યા હતા. ત્યારે રામજીભાઈ જેસીંગભાઇ મકવાણા (કો.પટેલ) વાહન ચલાવતા હતા. વટામણ ચોકડી થઈ ભાવનગર રોડ ઉપર જતા હતા ત્યારે મોટીબોરૂ ગામ પસાર કરી ઢાંઢીના પુલ પાસે બપોરના 3:00 કલાકે પસાર થતા હતા તે દરમિયાન ભાવનગર તરફથી એક પીકઅપ બોલેરો ગાડી નં.GJ-14-Z-35 74 પુરઝડપે આવી અને ગફલતભરી રીતે ચલાવી કાવું મારતાં તેઓની પીકઅપ બોલેરોની બોડી સાથે ધડાકા સાથે અથડાઈ હતી. નીચે ઉતરીને ગાડીના પાછળના ભાગે જઈ જોતાં તુલસીબેન, લીલાબેન, શાંતુબેન તથા બીજા માણસો રોડ ઉપર પડી ગયા હતા અને દીકરો વિરાટ ગાડીમાં રહી ગયો હતો. દીકરી તેલશીની માથાની ખોપડી ફાટી ગઈ હતી અને લીલાબેનને પણ માથાના ભાગે ઇજાઓ થઇ હતી. કોઈએ 108ને ફોન કરતાં આવી ગઈ હતી.108ના તબીબ કર્મચારીએ તુલસીબેન તથા લીલાબેનને તપાસતાં તેમને મરણ જાહેર કર્યા હતા. અને ઈજા પામનાર આકાશબેન તથા શાંતુબેનને 108માં સારવાર માટે આર.એમ.એસ હોસ્પીટલ ધંધુકા ખાતે લઇ ગયા હતા. દીકરા વિરાટને શરીરે ઈજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે લઇ ગયેલ હતા. મૃતક તુલસીબેન તથા લીલાબેનના મૃતદેહને પી.એમ. અર્થે સી.એચ.સી હોસ્પિટલ ધોળકા ખાતે લાવવામાં આવ્યા હતા. આ ઘટના અંગે અકસ્માત કરી નાસી છૂટેલા ડ્રાઈવર વિરુદ્ધ કોઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ પી.એન.ગોહિલએ હાથ ધરી હતી. (file photo)