વડોદરામાં ગેસનો સિલિન્ડર ચોરીને ચોર ગેસ કટર સાથે ATM તોડતા પકડાયો
- ATM તોડી પૈસા કાઢે તે પહેલા જ ચોરને પોલીસે રંગેહાથ ઝડપ્યો,
- તસ્કરે હોસ્પિટલમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરી હતી,
- ગેસ સિલિન્ડર લઈને ATMની કેબીનમાં ઘૂંસ્યો હતો
વડોદરાઃ શહેરમાં એક હોસ્પિટલમાંથી ચોરએ ગેસ સિલિન્ડરની ચોરી કરીને ગેસ સિલિન્ડર અને ગેસ કટર લઈને નજીકમાં આવેલા એક એટીએમ તોડવા ગયો હતો. ત્યારબાદ એટીએમ મશીન પરની પ્લાસ્ટિકની ડોરની બોડી કાપી નાખી અલગ કરી તેના પછીની લોખંડની ડોરની બોડી કાપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. અને ચોરને રંગેહાથ ઝડપી લીધો હતો.
વડોદરા શહેરના ખોડિયારનગર પાસે ચોરે હિંમત કરી નજીકમાં રહેલી હોસ્પિટલમાંથી પહેલા ગેસ સિલિન્ડરની ચોરી કરી હતી બાદમાં ATM તોડવાનો પ્રયાસ કરતા આરોપીને બાપોદ પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ બનાવ મામલે બાપોદ પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ છે.
આ બનાવની વિગતો એવી છે કે, વડોદરા શહેરના ખોડીયારનગર વિસ્તારમાં આવેલ સાઈ દર્શન રેસીડેન્સી કોમ્પ્લેક્સના એસબીઆઇના એટીએમમાંથી ચોરીને અંજામ આપવા પહોંચેલા આરોપી રાજેન્દ્રભાઈ જયંતીભાઈ બારીયા (રહે, રણછોડ નગર રામદેવ નગર એક ની સામે આજવા રોડ વડોદરા) ને બાતમીના આધારે પોલીસે ATM તોડતો હોવાની બાતમીના આધારે જ રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
આરોપીએ ચોરીને અંજામ પહેલા હોસ્પિટલમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરી હતી. ત્યારબાદ ગેસ સિલિન્ડર અને ગેસ કટર લઈને એટીએમની કેબીન ખોલીને પ્રવેશ્યો હતો અને ત્યારબાદ ગેસ કટર દ્વારા જ્વેલનશીલ ફ્લેમ બનાવી તેના દ્વારા એટીએમ મશીન પરની પ્લાસ્ટિક ડોરની બોડી કાપી નાખી અલગ કરી તેના પછીની લોખંડની ડોરની બોડી કાપવાનો પ્રયાસ કરી એટીએમ મશીનમાં રાખેલા રૂપિયાની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોરે એટીએમમાં રાખેલા કેમેરા અને એટીએમ મશીનથી કનેક્ટિવિટી રાઉટર અલગ કરી એટીએમ મશીનમાં આશરે 80,000નું નુકસાન કર્યું હોવાની ફરિયાદ બાપોદ પોલીસે નોંધી છે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી સામે માં હોસ્પિટલમાંથી ઓક્સિજન બોટલ ચોરવા અંગેની પણ ફરિયાદ નોંધવામાં આવી છે.