For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બનાસકાંઠામાં સુખનું વાવેતર થઈ રહ્યું છેઃ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા પ્રેરણાદાયક સંવાદ

07:39 PM Dec 13, 2025 IST | revoi editor
બનાસકાંઠામાં સુખનું વાવેતર થઈ રહ્યું છેઃ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા પ્રેરણાદાયક સંવાદ
Advertisement
  • વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભારતકૂલ અધ્યાય–2 ખાતે બનાસની સુવાસથી ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ સુધીનો અર્થસભર વિકાસ દ્રષ્ટિકોણ રજૂ કર્યો

(અલકેશ પટેલ) અમદાવાદ, 13 ડિસેમ્બર, 2025ઃ An inspiring dialogue by Shankarbhai Chaudhary ભારતકૂલ અધ્યાય–2 ના બીજા દિવસે શનિવારે ‘બનાસની સુવાસ’ અંતર્ગત યોજાયેલા સંવાદમાં બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાના સર્વાંગી વિકાસની યાત્રા, તેના આર્થિક મોડલ અને સમાજ પર પડેલા સકારાત્મક પ્રભાવને વિશદ રીતે રજૂ કર્યા.

Advertisement

શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બનાસકાંઠાનો વિકાસ માત્ર જિલ્લો પૂરતો સીમિત નથી, પરંતુ તે ગુજરાતના વિકાસ માટે સૌથી મોટું યોગદાન છે. આજે બનાસ ડેરી સમગ્ર દેશ માટે રોલ મોડલ બની છે. છેલ્લા દસ વર્ષમાં 4,000 કરોડના ટર્નઓવરથી 24,000 કરોડ સુધી પહોંચવું સહુની સંયુક્ત મહેનતનું પરિણામ છે. અહીં જે જેટલી મહેનત કરે છે, તેટલો તેને લાભ મળે છે—આ અર્થતંત્રનું ન્યાયસંગત અને નવું વિકાસ મોડલ છે.

ગુજરાત મીડિયા ક્લબના વાઈસ પ્રેસિડેન્ટ દીક્ષિત સોની સાથેની વાતચીત દરમિયાન બનાસ ડેરીના ચેરમેને કહ્યું કે, ભારતની ધરતી સદીઓથી સમૃદ્ધ રહી છે. જ્ઞાન પર સૌનો અધિકાર છે—અહીં ક્યારેય પેટન્ટ કે રોયલ્ટી પર ભાર નહોતો, કારણ કે જ્ઞાન વહેંચવાની ભાવના જ ‘ભારતકૂલ’ છે. આ વિચાર આજે પણ એટલો જ પ્રાસંગિક છે.

Advertisement

અર્થતંત્ર અને પર્યાવરણના સંબંધને સમજાવતા તેમણે જણાવ્યું કે બનાસકાંઠાના વિકાસ માટે મજબૂત પર્યાવરન શુદ્ધ હવા પાણી અને માટી જરૂરી છે.  માટી સજીવ રહે , પાણી અને હવા શુદ્ધ બને અને હેપ્પિનેસ ઇન્ડેક્સ આગળ વધે તે દિશામાં અમારા અવિરત પ્રયત્નો છે. દર વર્ષે એક કરોડ વૃક્ષો વાવીને બનાસકાંઠાને ગુજરાત અને રાજસ્થાનના ફેફસા બનાવવાનું કાર્ય કરી રહ્યા છીએ. સૂકા પર્વતોને હરિયાળા બનાવવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે.

આ પણ વાંચોઃ - બનાસ ડેરી જળ સંચય અને ઉત્તમ જળ વ્યવસ્થાપન માટે પ્રતિષ્ઠિત ‘નેશનલ વોટર એવોર્ડ’ થી સન્માનિત

ભૂતકાળની પરિસ્થિતિ યાદ કરતાં તેમણે જણાવ્યું કે સરહદી જિલ્લો, પાણીની અછત, ભણતર અને સંશોધનની કમીને કારણે બનાસકાંઠા પાછળ રહ્યું હતું. નર્મદા કેનાલથી પાણી પહોંચતાં જ પરિવર્તનની શરૂઆત થઈ. પાણીની ઉપલબ્ધિથી ખેતી અને અર્થતંત્રમાં મોટો બદલાવ આવ્યો અને માત્ર દસ વર્ષમાં આવક 230 કરોડથી વધીને 1,230 કરોડ સુધી પહોંચી.

ભારતકૂલ-2માં બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો સંવાદ
ભારતકૂલ-2માં બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો સંવાદ

શિક્ષણ ક્ષેત્રે પણ બનાસકાંઠાની સિદ્ધિઓ નોંધપાત્ર હોવાનું તેમણે જણાવ્યું. ખાસ કરીને ગર્લ્સ એજ્યુકેશનમાં જિલ્લો આગળ છે. આ વર્ષે મહાનગરો ને બાદ કરતાં ધોરણ 10માં પ્રથમ ક્રમ બનાસકાંઠાનો રહ્યો છે. મહાનગરોને બાદ કરતાં આર્મી અને પોલીસમાં પણ બનાસકાંઠાનો જિલ્લો અગ્રેસર છે.

પશુપાલક મહિલાઓ વિશે તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું કે બનાસની બહેનો આજે ‘લખપતિ દીદી’ બની છે અને ઘણી તો કરોડપતિ પણ થઈ ગઈ છે. બહેનોના પુરુષાર્થ અને આત્મનિર્ભરતાનું આ ઉત્તમ ઉદાહરણ છે.

ગોબર અને ગૌમૂત્રના વૈજ્ઞાનિક ઉપયોગ અંગે તેમણે જણાવ્યું કે ગાય આધારિત અર્થતંત્રમાં અનેક સંભાવનાઓ છે. ગોબર 1 રૂપિયા કિલો લેવામાં આવે છે અને તેમાંથી બાયો CNG તથા ખાતર બને છે. ગૌમૂત્રનું પ્યુરિફિકેશન કરીને પાવડર બનાવવામાં આવે છે, જેમાંથી પોટાશ મળે છે. આ સમગ્ર પ્રક્રિયા ધરતીને પુનર્જીવિત કરવાની દિશામાં કાર્યરત છે. સોઇલ હેલ્થ ચેક માટે લેબ પણ તૈયાર કરવામાં આવી છે, જ્યાં માત્ર 400 રૂપિયામાં માટીની જીવંતતા ચકાસી શકાય છે.

યુવાનો માટે બનાસ ડેરી દ્વારા તૈયાર થતો પ્રોટીન પાવડર સસ્તો, ગુણવત્તાયુક્ત અને સરળતાથી પચી જાય તેવો હોવાનું તેમણે જણાવ્યું. તેની માંગ એટલી છે કે માર્કેટિંગ કરવાની જરૂર પડતી નથી—બજાર જાતે બનાસ સુધી આવે છે.

આ ઉપરાંત પ્રોબાયોટીક વિષે માહિતી આપતા તેમણે જણાવ્યુ કે ,અત્યાર સુધી પ્રોબાયોટિક દવાઓ વિદેશી દેશોમાંથી આયાત કરવામાં આવતી હતી, જે મુખ્યત્વે ત્યાંના લોકોના આંતરડાની રચના મુજબ વિકસિત કરવામાં આવેલી હોવાથી ભારતીય શરીરરચના માટે પૂરતી અનુકૂળ નહોતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બનાસ ડેરીના ડેરી ટેક્નોલોજિસ્ટ્સે વૈજ્ઞાનિક સંશોધન દ્વારા પોતાની લેબોરેટરીમાં ભારતીય જીવનશૈલી અને આહારને અનુરૂપ એવા ઇન્ડિયન ગટ્સ’ માટે યોગ્ય પ્રોબાયોટિક બેક્ટેરિયા વિકસિત કર્યા છે. માનવહિતને પ્રાથમિકતા આપતાં, આ મહત્વપૂર્ણ શોધ પર કોઈપણ પ્રકારનું પેટન્ટ લેવામાં આવ્યું નથી, જેથી તેનો લાભ સમગ્ર દેશને સરળતાથી મળી શકે.

મધુપાલન અને ‘સ્વીટ ક્રાંતિ’ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે ખેતી સાથે મધુપાલન શરૂ કરીને આજે બનાસમાં દેશના સૌથી વધુ મધનું ઉત્પાદન થાય છે. મધમાખીના પોલન અને પોઈઝન જેવા મૂલ્યવાન ઉત્પાદનો પર પણ કામ ચાલી રહ્યું છે. સાથે સાથે પોટેટો પ્લાન્ટ, કાચી ઘાણીનું તેલ, પ્રોટીનયુક્ત લોટ જેવી નવી પહેલો બનાસમાં શરૂ થઈ છે.

સમાપન કરતાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ના સંકલ્પ સાથે બનાસનું કામ માત્ર જિલ્લામાં નહીં પરંતુ આઠ રાજ્યોમાં વિસ્તર્યું છે. IIT–IIMના વિદ્યાર્થીઓ અને સુઝુકી જેવી કંપનીઓ સાથે સહકારથી બનાસ આજે એક મોડલ બની ગયું છે—જ્યાં ગ્રામ્ય અર્થતંત્ર સાથે સુખનું વાવેતર થઈ રહ્યું છે. માટી, વનસ્પતિ, પ્રાણી અને માનવ—આ બધા સાથે  સમૃદ્ધિનું સંતુલિત મોડલ એટલે જ ‘બનાસની સુવાસ’ આજે આખા દેશમાં પ્રસરી રહી છે.

ભારતકૂલ અધ્યાય–2માં ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજીનું ધ આર્ટ ઑફ બિકમિંગ અ જિનિયસ વિશે પ્રેરણાત્મક ઉદબોધન

Advertisement
Tags :
Advertisement