સુરેન્દ્રનગર જિલ્લામાં ગુલાબ અને ગલગોટા સહિત ફુલોના વાવેતરમાં થયો વધારો
- ફુલોના વાવેતરમાં ધ્રાંગધ્રા તાલુકો મોખરે
- જિલ્લામાં વર્ષ 2023-24માં 108 હેકટરમાં ફુલોનું વાવેતર થયુ હતું
- ફુલોની ખેતી માટે સરકાર દ્વારા સહાય મળતા વાવેતરમાં થયો વધારો
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ઘણાબધા જિલ્લાઓમાં હવે ફુલોની ખેતી થવા લાગી છે. એક સમયે ઉજ્જડ ગણાતો સુરેન્દ્રનગર જિલ્લો નર્મદાના નીરથી નંદનવન બની ગયો છે. હવે તો જિલ્લાના ખેડુતો ગુલાબ અને ગલગોટાની ખેતી કરવા લાગ્યા છે. ફુલોની ખેતીમાં સરકારની સહાય પણ મળતી હોવાથી ખેડુતો ફુલોની ખેતી કરવા લાગ્યા છે. અને સારૂ ઉત્પાદન કરીને સારી આવક પણ મેળવી રહ્યા છે. જિલ્લામાં સૌથી વધુ ધ્રાંગધ્રા તાલુકામાં ફુલોની ખેતી થાય છે.
એક સમયે સુરેન્દ્રનગર જિલ્લો એ સૂકા મલક તરીકે ઓળખાતો જિલ્લો હતો છેલ્લા કેટલાક વર્ષોથી નર્મદા કેનાલનો લાભ મળતા જિલ્લાની સુકી ધરા હરિયાળી બની ગઈ છે. જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પારંપરિક પાકો સાથે ખેતી ક્ષેત્રે ક્રાંતિ સર્જી હવે ફુલો ખેતી પણ સારી એવી કરતા થયા છે. જિલ્લામાં 2023-24માં 108 હેક્ટરમાં ફૂલોનું વાવેતર થયું હતુ. જેમાં ધ્રાંગધ્રા પંથકને કેનાલ અને સિંચાઇના પાણી મળતા સૌથી વધુ ફૂલોનું વાવેતર ધ્રાંગધ્રા પંથકમાં થાય છે. જ્યારે ચુડા અને ચોટીલા તથા અમુક વિસ્તારોમાં વઢવાણ પંથકમાં પણ ફૂલોનું વાવેતર થાય છે. જિલ્લામાં ખેડુતો સૌથી વધુ ગુલાબ, ગલગોટા ફુલોની પણ સફળ ખેતી કરી રહ્યા છે. તમામ ફૂલોનું સુરેન્દ્રનગરની સાથે અમદાવાદ સહિતની અન્ય ફૂલ બજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષ ફુલોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે. જિલ્લામાં ગત 2022-2023માં 93 હેક્ટરમાં ફૂલોની ખેતી કરીને ખેડૂતોએ 738 મેટ્રિક ટન ફૂલોનું ઉત્પાદન મેળવ્યું હતું. જ્યારે 2023-24માં 108 હેક્ટરમાં વાવેતર 851 મેટ્રિક ટન ફુલનું ઉત્પાદન મેળવ્યું છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતોને સરકારી યોજનાની સહાય ફૂલોની ખેતી માટે સરકાર તરફથી સહાય મળે છે.