માવઠાને લીધે શાકભાજીની આવક ઘટતા ભાવમાં થયો તોતિંગ વધારો
- શિયાળામાં શાકભાજી સસ્તા થવાને બદલે ભાવમાં વધારો થયો,
- શાકભાજીના જથ્થાબંધ વેપારીઓ આવક ઓછી હોવાનું કહી રહ્યા છે,
- લોકો મોંઘા ભાવનું શાકભાજી ખરીદવા મજબુર
ભાવનગરઃ દિવાળી બાદ શિયાળાનું આગમન થતાં જ લીલા શાકભાજીના ભાવમાં ઘટાડો થતો હોય છે. પણ દિવાળી બાદ પડેલા માવઠાને લીધે લીલા શાકભાજીના ભાવમાં અસામાન્ય વધારો નોંધાયો છે. યાર્ડમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે. તેના લીધે ભાવમાં વધારો થયો છે.
ભાવનગર જિલ્લામાં ગત અઠવાડિયા દરમિયાન સાર્વત્રિક કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. આ માવઠાના કારણે તમામ વર્ગની હાલત કફોડી બની છે. જેમાં ખેડૂતોને કપાસ,મગફળી,ડુંગળી સાથે-સાથે શાકભાજીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. હાલ યાર્ડમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. તેના લીધે શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. લોકો મોંઘા ભાવે શાકભાજી ખરીદવા મજબુર બની રહ્યા છે. યાર્ડમાં શાકભાજીના જથ્થાબંધ વેપારીઓના કહેવા મુજબ યાર્ડમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. હાલ જે શાકભાજીની આવક છે તે બહારના જિલ્લાઓમાંથી છે. લોકલ શાકભાજીની આવક ઘટી ગઈ છે. તેના લીધે ભાવમાં વધારો થયો છે.
શાકભાજી ખરીદવા માટે આવતા ગ્રહકોના કહેવા મુજબ પહેલા જે શાકભાજીનો ભાવ હતો તે વાજબી હતો અને ગરીબ અને મધ્યમવર્ગના ખરીદી શક્તા હતા. અત્યારે કમોસમી વરસાદના કારણે જે શાકભાજીના ભાવો છે તે આસમાને પહોંચી ગયા છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શાકભાજી લેતા પહેલા વિચાર કરવો પડે છે તેને લઈ શાકભાજી આટલું મોંઘુ કઈ રીતે લેવું તે વિચારવું પડે છે અને પહેલા અમે અઠવાડિયા શાકભાજી લેતા હતા અને અત્યારે શાકભાજીમાં ભાવ વધારાને લઈ જેટલી શાકભાજીની જરૂરિયાત છે તે દરરોજ એ દરરોજ ખરીદી કરીએ છીએ અને થોડું થોડું ઉપયોગ કરીને ગુજરાન ચલાવવું પડે છે.