સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી મળશે, સત્ર તોફાની રહેવાની શકયતા
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ 25 નવેમ્બરના રોજ થશે અને 20 ડિસેમ્બર સુધી સત્ર ચાલશે. તેમ કેન્દ્રીય મંત્રી ચાલશે. રાષ્ટ્રપતિના સંબોધન સાથે પરંપરાગત રીતે સત્રની શરૂઆત થશે. આ સિવાય શિયાળુ સત્રમાં સંસદના બંને ગૃહોમાં ઘણા મહત્વપૂર્ણ બિલો પર વિચારણા થઈ શકે છે. સંસદનું શિયાળુ સત્ર તોફાની રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. અહેવાલો અનુસાર, સરકાર 'એક દેશ એક ચૂંટણી'ના મુદ્દા પર ચર્ચા કરી શકે છે. સંસદીય પ્રથા મુજબ, સરકાર અને લોકસભાના સ્પીકર સંસદના સત્ર પહેલા એક સર્વપક્ષીય બેઠક પણ યોજી શકે છે જેથી ગૃહની કામગીરી સુચારૂ રીતે ચાલે.
પ્રાપ્ત માહિતી અનુસાર સંસદના શિયાળુ સત્રમાં 'વન નેશન વન ઈલેક્શન' અને વકફ એક્ટમાં સંશોધન માટે રજૂ કરવામાં આવેલા બિલ પર ચર્ચા થવાની સંભાવના છે. વિપક્ષના આક્રમક વલણને ધ્યાનમાં લેતા આગામી શિયાળુ સત્ર ભારે તોફાની બને તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે કેબિનેટ દ્વારા 'વન નેશન વન ઇલેક્શન'ના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. હવે શિયાળુ સત્રમાં બિલ પાસ કરાવવા પર ભાર મૂકવામાં આવશે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, બંધારણની 75મી વર્ષગાંઠ પર 26 નવેમ્બરે જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં એક વિશેષ સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવશે. સરકારે બંધારણના મહત્વને રેખાંકિત કરવા માટે એક વ્યાપક યોજના બનાવી છે. આ અંતર્ગત અનેક ભીંતચિત્રોનું નિર્માણ, બંધારણ સભાની ચર્ચાનું લગભગ બે ડઝન ભાષાઓમાં અનુવાદ અને જાહેર માર્ચનું આયોજન જેવા કાર્યક્રમો સામેલ છે. આ કાર્યક્રમ એવા સમયે યોજાવા જઈ રહ્યો છે જ્યારે સરકાર અને વિપક્ષ વચ્ચે બંધારણના રક્ષક બનવા અને એકબીજાને બંધારણ વિરોધી સાબિત કરવાની સ્પર્ધા ચાલી રહી છે.