15 થી 30 મે 2025 દરમિયાન વિકસિત વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ યોજાશે
નવી દિલ્હીઃ વિકસિત વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ એક સંયુક્ત પહેલ છે, જેનો ઉદ્દેશ ભારતની અંતરિયાળ સરહદી વિસ્તારોને પુનર્જીવિત કરવાનો છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની આગેવાની હેઠળ, ગૃહ મંત્રાલય સાથે સંકલન કરીને, આ કાર્યક્રમ સ્થાનિક શાસન સંસ્થાઓ અને ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી)ના સમર્થનથી અમલમાં મૂકવામાં આવશે. તેમાં લેહ-લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે 15 થી 30 મે 2025 સુધી ચાલશે.
આ પહેલ દેશભરના 500 માય ભારત સ્વયંસેવકોને સામેલ કરીને યુવાનોને સશક્ત બનાવશે, જેઓ પસંદ કરાયેલા 100 ગામોમાં સમુદાયો સાથે સીધી રીતે કામ કરશે. આ સ્વયંસેવકો વિવિધ પહેલો મારફતે પાયાના સ્તરે જોડાણ અને સામુદાયિક વિકાસને વેગ આપશે, જેમાં શૈક્ષણિક સમર્થન અને માળખાગત સુવિધામાં વૃદ્ધિથી માંડીને હેલ્થકેર અને સાંસ્કૃતિક જાળવણીનો સમાવેશ થાય છે. સ્થાનિક રહેવાસીઓને સાંકળીને અને યુવા નેતૃત્વની તાકાતનો લાભ લઈને આ કાર્યક્રમનો ઉદ્દેશ આ સરહદી વિસ્તારોમાં લાંબા સમય સુધી ચાલનારા, હકારાત્મક પરિવર્તન લાવવાનો છે.
વિકસિત વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ માટે નોંધણી સત્તાવાર રીતે 23 એપ્રિલ 2025ના રોજ માય ભારત પોર્ટલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ પરિવર્તનકારી તક માટે અરજી કરવા માટે ભારતભરના સ્વયંસેવકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 10 અને ભાગ લેનારા દરેક રાજ્યમાંથી 15 માય ભારત સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવશે. કુલ મળીને, 500 સ્વયંસેવકોને કાર્યક્રમની કરોડરજ્જુ તરીકે સેવા આપવા માટે પસંદ કરવામાં આવશે, જે ગામડાઓમાં પ્રવૃત્તિઓનું નેતૃત્વ અને સંકલન કરશે.
આ કાર્યક્રમના ભાગરૂપે, ઈમર્સિવ લર્નિંગ યાત્રાઓ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમો અને પાયાના સ્તરે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવી રહ્યા છે, જે યુવાનોને ભારતના સરહદી વિસ્તારોના વિશિષ્ટ સામાજિક-સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક તાણાવાણા સાથે સીધો સંવાદ કરવાની તક આપે છે.
આ કાર્યક્રમ 7 દિવસમાં શરૂ થશે, જેમાં દરેક દિવસ સામુદાયિક વિકાસના વિશિષ્ટ ક્ષેત્રને સમર્પિત રહેશે. આ પ્રવૃત્તિઓમાં સામેલ હશે, પરંતુ તે આના સુધી મર્યાદિત નથી:
1. સામુદાયિક જોડાણ
2. યુવા નેતૃત્વ વિકાસ
3. કલ્ચરલ પ્રમોશન
૪. આરોગ્યલક્ષી જાગૃતિ અને સહાય
5. કૌશલ્ય નિર્માણ અને શિક્ષણ
6. પર્યાવરણ સંરક્ષણની શ્રેષ્ઠ પ્રણાલિઓ
7. કારકિર્દી પરામર્શ સત્રો
8. રમતગમત, યોગ, ધ્યાન વગેરે જેવી તંદુરસ્તી પ્રવૃત્તિઓ
9. માય ડ્રીમ ઇન્ડિયા પર ઓપન માઇક, નિબંધ, ફાયરસાઇડ ચેટ વગેરે
જ્ઞાનનું હસ્તાંતરણ અને રાષ્ટ્રીય ચેતના
આ કાર્યક્રમ મારફતે યુવા નાગરિકોને સરહદી સમુદાયોના વારસા, સ્થિતિસ્થાપકતા અને સંભવિતતાનું અન્વેષણ કરવાની અને તેનું દસ્તાવેજીકરણ કરવાની તક મળશે. ડિજિટલ માધ્યમો, સામુદાયિક ચર્ચાઓ અને સંસ્થાગત પ્રસ્તુતિઓ મારફતે જ્યારે આ અનુભવોનું આદાનપ્રદાન કરવામાં આવશે, ત્યારે એ સુનિશ્ચિત થશે કે ભારતનાં સરહદી રહેવાસીઓનો અવાજ વ્યાપક રાષ્ટ્રીય અને વૈશ્વિક શ્રોતાઓ સુધી પહોંચે.
આ પહેલ યુવાનોને માત્ર સાક્ષી બનવા જ નહીં પરંતુ આ ક્ષેત્રોના વિકાસમાં સક્રિયપણે ફાળો આપવા માટે પ્રોત્સાહિત કરે છે - પછી ભલે તે શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, ટકાઉ કૃષિ અથવા સ્થાનિક શાસનમાં નવીન પ્રોજેક્ટ્સ દ્વારા હોય. આ ક્રિયાપ્રતિક્રિયા પરસ્પર આદર, ઊંડી રાષ્ટ્રીય એકતા અને સરહદી ગામોના ઉદભવને અલગ-અલગ ચોકીઓને બદલે 'સાંસ્કૃતિક દીવાદાંડી' તરીકે ઉભરી આવે છે.