સંયુક્ત રાષ્ટ્ર હજુ પણ 1945ની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે છેઃ ડો.એસ.જયશંકર
નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે નવી દિલ્હીમાં સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય યોગદાન આપનાર દેશોના સંમેલનમાં હાજરી આપી હતી. આ દરમિયાન વિદેશ મંત્રીએ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર આજે પણ 1945ના સમયને દર્શાવે છે. તેમણે કહ્યું કે, યુએનએ વિકાસશીલ દેશોના અવાજને મજબુત બનાવવો જોઈએ, તેની ઉપર જ યુએનની વિશ્વસનીયતા ટકેલી છે.
સંબોધનમાં વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, હું તાજેતરમાં જ ન્યૂયોર્કમાં 80મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લઈને આવ્યો છું. જેના અનુભવની મહત્વપૂર્ણ વાતો તમારા સમક્ષ વ્યક્ત કરી રહ્યો છે. પ્રથમવાત, સંયુક્ત રાષ્ટ્ર આજે પણ 1954ની વાસ્તવિક્તાઓ પર પ્રતિબિંબિત કરે છે, 2025ને નહીં. 80 વર્ષ એક લાંબો સમય છે અને આ સમયમાં સંયુક્ત રાષ્ટ્રમાં સભ્યોની સંખ્યા હકીકતમાં ચાર ગણી થવી જોઈએ. બીજી વાત, જે સંસ્થાઓ ફેરફાર કરવામાં નિષ્ફળ રહે છે તેના એપ્રાસંગિક થવાનો ખતરો વધારે રહે છે. સંયુક્ત રાષ્ટ્રને પ્રભાવી બનવા માટે તેમાં સુધારો કરવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્રે વિકાસશીલ દેશોના અવાજને મજબુત બનાવવો જોઈએ.
ડૉ. જયશંકરે કહ્યું કે યુએનના સભ્ય દેશો પણ પરિવર્તન ઇચ્છે છે અને સુરક્ષા પરિષદનો પણ વિસ્તાર થવો જોઈએ. યુએન પીસકીપિંગ ફોર્સ અંગે વિદેશ મંત્રીએ કહ્યું, "આપણા પીસકીપર્સ એક શક્તિશાળી ફોર્સ રહ્યા છે. આ બહાદુર દીકરાઓ અને દીકરીઓ માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. તેઓ બહુપક્ષીયતાના સાચા પ્રણેતા છે. આજે, હું 4,000 થી વધુ પીસકીપર્સનું સ્મરણ કરવા માંગુ છું જેમણે ફરજ બજાવતા સર્વોચ્ચ બલિદાન આપ્યું." તેમણે પીસકીપિંગ ઓપરેશન્સ અંગે કેટલાક સૂચનો પણ આપ્યા, જેમાં કહ્યું કે જે દેશોમાં પીસકીપિંગ ફોર્સ મોકલવામાં આવે છે અને જે દેશોના સૈનિકો આ પીસકીપિંગ ફોર્સનો ભાગ છે તેમની સાથે પણ પીસકીપિંગ ઓપરેશન્સ અંગે સલાહ લેવી જોઈએ."