ખારાઘોડાના અફાટ રણમાં કાળઝાળ ગરમીમાં મીઠાની સીઝનનો પ્રારંભ
- અસહ્ય ગરમીમાં મીઠુ પકવતા અગરિયાઓ
- આ વર્ષે 15 લાખ ટન મીઠા ઉત્પાદનનો અંદાજ
- મીઠાની સીઝન ત્રણ મહિના ચાલશે
સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા જિલ્લાના ખરાધોડાના અફાટ ગણાતા રણ વિસ્તારમાં અસહ્ય ગરમીમાં મીઠાની સીઝનનો પ્રારંભ થયો છે. અગરિયાઓ અસહ્ય ગરમીમાં કાળી મજુરી કરીને મીઠુ પકવી રહ્યા છે. આ વર્ષે અંદાજે 15 લાખ મેટ્રીક ટન મીઠાનું ઉત્પાદન થવાની શક્યતા છે. રણકાંઠા વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ત્યારે અગરિયાઓ કાળી મજુરી કરીને મીઠુ પકવી રહ્યા છે.
કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડી, ખારાઘોડા, ઝીંઝુવાડા સહિતના રણ વિસ્તારમાં મીઠાની સીઝનનો પ્રારંભ થયો છે. રણમાં અગરિયાઓ અને મીઠા મજૂરોનો મેળાવડો જામ્યો છે. રણમાં છાંયડાની સુવિધા ન હોવાથી અગરિયા મહિલાઓ અને બાળકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. મીઠાની સીઝન આગામી અઢીથી ત્રણ માસ સુધી ચાલશે. અગરિયાઓ ત્રણ મહિના એટલે કે સીઝમ પુરી થાય સુધી પરિવાર સાથે રણ વિસ્તારમાં રહેશે,
ખારાઘોડાના રણ વિસ્તારમાં અગરિયાઓ કાળી મજુરી કરીને પરિવારનું ગુજાન ચલાવતા હોય છે. જોકે હવે યાંત્રિક યુગના આગમન સાથે મીઠા ઉદ્યોગમાં મોટું પરિવર્તન આવ્યું છે. અગાઉ મજૂરો પાવડા અને બખડીયાથી મીઠું ભરતા અને ખાલી કરતા હતા. હવે જેસીબી, બુલડોઝર અને ડમ્પર જેવા સાધનોના ઉપયોગથી ઘણા અગરિયાઓ બેરોજગાર બન્યા છે. આધુનિકીકરણે અગરિયાઓની રોજગારીને અસર કરી છે.