વડાપ્રધાને ધર્મસેવા સાથે જનસેવાને જોડી વિકાસ સાથે વિરાસતનો ધ્યેય આપ્યો છેઃ CM
- અવિચલદેવાચાર્યજીના સન્માન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ રહ્યા,
- અવિચલદેવાચાર્યજી મહારાજના વડપણમાં આદિવાસી વિસ્તારોમાં શાળા કોલેજો કાર્યરત
- કુદરતી આપત્તિની સ્થિતિ કોઈ પણ સમયે કૈવલ જ્ઞાન સંપ્રદાય સેવા આપવામાં અગ્રેસર
ગાંધીનગરઃ કૈવલ જ્ઞાન પિઠાધીશ્વર જગતગુરુ અવિચલદેવાચાર્યજી મહારાજની ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચોથી વાર વરણી થતાં તેમનો સન્માન સમારોહ અમદાવાદના થલતેજ ખાતે શ્રી રામધામ પરિસરમાં યોજાયો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અવસરે પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતની પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓને સજીવન કરવાનો મહાયજ્ઞ આરંભ્યો છે. તેમણે ધર્મસેવા સાથે જનસેવાને જોડીને વિકાસ સાથે વિરાસતનો ધ્યેય આપ્યો છે અને દેશની આધ્યાત્મિક-ધાર્મિક વિરાસતોનું વિશ્વભરમાં ગૌરવગાન કર્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનની આ પરીપાટીને પરિણામે ગયા મહીને ભગવદ ગીતા અને મહર્ષિ ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્રની પાંડુલિપિઓને યુનેસ્કો દ્વારા "મેમોરી ઑફ ધ વર્લ્ડ રજિસ્ટર"માં સ્થાન આપવામાં આવ્યું. આ માત્ર ગ્રંથોનું સન્માન નથી પણ આપણા રાષ્ટ્રની સમૃદ્ધ સંસ્કૃતિને વૈશ્વિકસ્તરે મળેલી સ્વીકૃતિ છે.
તેમણે ઉમેર્યું કે, ભારતની પુણ્યશાળી ભૂમિ સદીઓથી ધર્મપ્રીતિથી ઝળહળતી રહી છે. આ વર્ષે વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશાદર્શનમાં તીર્થરાજ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભથી ભારતની એક્તા અને સંસ્કૃતિની સમગ્ર વિશ્વને ઓળખ થઈ. આ મહાકુંભમાં દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓએ સાધુ-સંતો-તપસ્વીઓના દર્શન કરી આસ્થાની ડૂબકી લગાવી છે.
આ મહાકુંભ અવસરે આયોજિત અખિલ ભારતીય સંત સમિતિના કેન્દ્રિય અધિવેશનમાં પરમ પૂજ્ય જગદગુરૂ અવિચલદેવાચાર્યજી મહારાજની ભારતીય સંત સમિતિના ચોથીવાર રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વરણી થવાની ગૌરવપૂર્ણ ઘટનાનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ આચાર્યજીને શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીએ અવિચલદેવાચાર્યજી મહારાજના સન્માન સમારોહના આયોજન સબબ બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટના પ્રમુખ નિતિનભાઈ પટેલ અને સૌ આયોજકોને પણ અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીએ કૈવલ જ્ઞાન સંપ્રદાય ગુરૂગાદી- સારસાપુરીના સપ્તમ કુવેરાચાર્ય અવિચલદેવાચાર્યજી પ્રેરિત ધર્મ અને સમાજ સેવાની પ્રવૃત્તિઓને બિરદાવતા કહ્યું કે,સારસામાં અન્નક્ષેત્ર દ્વારા ભાવિકોને ભોજન સેવામાં આપવામાં આવી રહી છે. સારસા, બાલકુવેર તથા વારાણસીમાં શ્રદ્ધાળુઓ – યાત્રાળુઓ માટે ધર્મશાળાનું સંચાલન કરવામાં આવે છે. ગૌ-શાળા તથા આપણા પ્રાચીન ગૌ વંશ એવા કાંકરેજી ગાયોનું સંવર્ઘન કેન્દ્ર પણ કાર્યરત છે.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભાવસૂત્ર "સરકારના પ્રયાસમાં સમાજનો પ્રયાસ ભળે તો વિકાસની ગતિ બમણી થાય છે" તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અવિચલદેવાચાર્યજી મહારાજના વડપણમાં અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચની શાળા કોલેજો કાર્યરત છે. આરોગ્ય સુખાકારીની સેવાઓ હોય કે સમુહ લગ્નોત્સવ, જળ સંચય કે પછી કુદરતી આપત્તિની સ્થિતિ કોઈ પણ સમયે કૈવલ જ્ઞાન સંપ્રદાય સેવા આપવામાં અગ્રેસર રહે છે.
તેમણે ઉમેર્યું કે, સંગઠન શક્તિમાં કુશળ એવા અવિચલદેવાચાર્યજી મહારાજે વિશ્વ હિન્દુ પરિષદ અને રામ જન્મભૂમિ આંદોલનમાં સમાજશક્તિને સંગઠિત રાખવાનું કાર્ય પણ કર્યુ હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષોથી માનવજાતને ધર્મ, કરૂણા, અને શાંતિના માર્ગે દોરી રહી છે, એના પાયામાં આપણો સનાતન ધર્મ રહેલો છે. આ ધર્મ માત્ર ઉપાસના પદ્ધતિ નથી પરંતું જીવન જીવવાનો એક સંકલિત દ્રષ્ટિકોણ છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. એટલું જ નહીં વિકસિત ભારતના નિર્માણ માટે ‘સર્વની સેવા’ માટેના ૯ સંકલ્પો આપણને આપ્યાં છે. આ બધા સંકલ્પો પાર પાડવામાં સંત શક્તિ સમાજનું માર્ગદર્શન કરે અને તેમના આશિર્વાદ મળતા રહે એવી અપેક્ષા છે.