દિવાળીના આગમન પહેલા જ લીલા શાકભાજીના ભાવમાં થયો વધારો
- કોથમીર-આદુ-ટામેટાંનો કિલોનો ભાવ 100ને વટાવી ગયા,
- વરસાદને લીધે યાર્ડમાં શાકભાજીની આવકમાં થયો ઘટાડો,
- ખેડુતો કહે છે, વરસાદને લીધે લીલા શાકભાજી કોહવાઈ જાય છે
અમદાવાદઃ શિયાળાના આગમનને હવે 10 દિવસનો સમય બાકી છે. શિયાળામાં શાકભાજી સસ્તા હોય છે. પણ હાલ રાજ્યમાં પાછોતરા વરસાદને લીધે લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. તેના કારણે ભાવમાં વધારો થયો છે. તેમાંય કોથમીર, આદુ અને ટામેટાંના ભાવે તો સેન્ચુરી વટાવી દીધી છે.
ગુજરાતમાં આ વખતે વરસાદ નવરાત્રી સુધી પડતા શાકભાજીના પાક પર તેની અસર પડી છે, ગણા વિસ્તારો એવા છે. કે, સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં હજુ પણ સમયાંતરે વરસાદ પડી રહ્યો છે.તેથી શાકભાજીના પાકને પણ મોટું નુકસાન પહોચ્યું છે. વરસાદી પાણીને કારણે ખેતરોમાં શાકભાજી કોહવાઈ જાય તેવો ભય ઉભો થયો છે ત્યારે બજારમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અત્યાર સુધીમાં ટામેટાંનો કોઇ લેવાલ ન હતો ત્યારે હવે ટામેટાં પણ કિલોના રૂ.100-120 ના ભાવે વેચાઇ રહ્યાં છે. કોથમીર પણ છુટક બજારમાં 100 રૂપિયના ભાવ બોલાયા છે. ડુંગળીના પણ કિલોના ભાવ રૂ.70 સુધી પહોંચ્યા છે. તો આદુનો એક કિલોનો ભાવ રૂ.140 થયો છે. બટાકા પણ કિલોના રૂ.50ના ભાવે વેચાઇ રહ્યાં છે. આ ઉપરાંત અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
જમાલપુર માર્કેટ યાર્ડમાં શાકભાજીના જથ્થાબંધ વેપારીના કહેવા મુજબ વરસાદને લીધે ગુજરાતમાંથી જ નહીં, અન્ય રાજ્યમાંથી આવતાં શાકભાજીનો જ્થ્થો પણ ઘટ્યો છે. આવકમાં ઘટાડો થાય અને માગ એટલી જ રહે તો સ્વાભાવિકપણે ભાવમાં વધારો થતો હોય છે. હાલ દિવાળી સુધી ભાવ ઘટવાની શક્યતા દેખાતી નથી. જ્યાં સુધી વઘુ આવક નહી આવે ત્યાં સુધી શાકભાજીના ભાવમાં ઘટાડો થાય તેવા એંધાણ નથી. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે શાકભાજી મોંઘા ભાવે જ ખરીદવી પડશે.