ગરમાગરમ ક્રિસ્પી કોર્ન: સ્વાદિષ્ટ અને પોષક આદર્શ નાસ્તો
શેકેલી મકાઈથી બનેલા ક્રિસ્પી કોર્નનો સ્વાદ દરેક ઉંમરના લોકોને પસંદ આવે છે. ખાસ કરીને બાળકો માટે આ નાસ્તો વધુ આકર્ષક અને મજેદાર બની જાય છે. મિનિટોમાં તૈયાર થઈ જાય એવો આ નાસ્તો સ્વીટ કોર્ન અને વિવિધ મસાલા સાથે બનાવવામાં આવે છે, જે સ્વાદ અને પોષણ બંનેથી સમૃદ્ધ છે.
- સામગ્રી
સ્વીટ કોર્ન – 2 કપ
મકાઈનો લોટ – 1/4 કપ
ચોખાનો લોટ – 1/4 કપ
મેંદો – 1 ચમચી
કાળી મરી પાવડર – 1 ચમચી
જીરું પાવડર – 1/4 ચમચી
કાશ્મીરી લાલ મરચું – 1/2 ચમચી
આમચુર પાવડર – 1/2 ચમચી
બારીક સમારેલી ડુંગળી – 2 ચમચી
સમારેલા કેપ્સીકમ – 2 ચમચી
કોથમીર – 2 ચમચી
પાણી – 4-5 કપ
તેલ – તળવા માટે
મીઠું – જરૂર મુજબ
- બનાવવાની રીત
મોટું વાસણ લો અને તેમાં 4 કપ પાણી અને 1 ચમચી મીઠું ઉમેરો. પાણી ઉકળવા લાગતાં સ્વીટ કોર્ન 2 કપ નાખો અને ઓછામાં ઓછા 1 મિનિટ સુધી ઉકાળો. ગેસ બંધ કરી ગળણીની મદદથી સ્વીટ કોર્નને પાણીથી અલગ કરો. બાફેલી સ્વીટ કોર્નને બીજા વાસણમાં મૂકો અને તેમાં મકાઈનો લોટ, ચોખાનો લોટ, મેંદો, કાળી મરી પાવડર અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો અને વધારાનો લોટ ચાળણીથી કાઢી લો. કડાઈમાં તેલ ગરમ કરો અને તૈયાર મિશ્રણને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. તળેલા સ્વીટ કોર્ન પર લાલ મરચું પાવડર, જીરું પાવડર, આમચુર પાવડર અને મીઠું છાંટો. બારીક સમારેલી ડુંગળી, કેપ્સીકમ અને કોથમીર ઉમેરીને મિક્સ કરો. ગરમાગરમ સ્વાદિષ્ટ અને પોષક ક્રિસ્પી કોર્ન તૈયાર છે, તેને ટોમેટો સોસ સાથે સર્વ કરો.
ક્રિસ્પી કોર્ન માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ એ પોષણથી ભરપૂર નાસ્તો છે, જે ટૂંકા સમયમાં તૈયાર થઈ જાય છે અને પરિવારના દરેક સભ્ય માટે મનપસંદ બની શકે છે.