ભારતના 44 મોટા શહેરમાં 2030માં જુના વાહનોની સંખ્યા વધીને 75 લાખ ઉપર પહોંચશે
ભારતના ઓછામાં ઓછા 10 લાખની વસ્તી ધરાવતા 44 શહેરોમાં જૂના વાહનોને ઇલેક્ટ્રિક વાહનો (EV) થી બદલીને 2035 સુધીમાં 51 અબજ લિટરથી વધુ પેટ્રોલ અને ડીઝલ બચાવી શકાય છે. આનાથી ભારતના તેલ આયાત બિલમાં અંદાજે 9.17 લાખ કરોડ રૂપિયા ($106.6 બિલિયન)નો ઘટાડો થશે. ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (TERI) ના એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે આ 44 મોટા શહેરોમાં જૂના વાહનોની સંખ્યા 2030 સુધીમાં વધીને 75 લાખ થઈ જશે. 2024 માં, તેમની સંખ્યા 49 લાખ હતી. મોટા શહેરોમાં વાયુ પ્રદૂષણમાં જૂના વાહનોનો સૌથી વધુ ફાળો છે.
ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટશેઃ ઇલેક્ટ્રિક વાહનોનો સંપૂર્ણ સ્વીકાર કરવાથી 2035 સુધીમાં દરરોજ 11.5 ટન PM 2.5 ઉત્સર્જન ટાળી શકાય છે. વધુમાં, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 61 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડનો ઘટાડો થઈ શકે છે. 2030 અને 2035 ની વચ્ચે 11.4 મિલિયન વાહનોને તબક્કાવાર બંધ કરવાની યોજનાનો પ્રસ્તાવ મૂકે છે.
3.7 લાખ નોકરીઓનું સર્જન થશેઃ ટેરીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, મોટા શહેરોમાં જૂના વાહનોને EV થી બદલવાથી અથવા ઇલેક્ટ્રિક અને CNG વાહનોના હાઇબ્રિડ મોડેલ અપનાવવાથી દેશના ઇ-વ્હીકલ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં લગભગ 3.7 લાખ નવી નોકરીઓનું સર્જન થઈ શકે છે.લેખકોએ તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે જો અડધા જૂના વાહનોને CNG વાહનોમાં રૂપાંતરિત કરવામાં આવે તો દેશમાં લગભગ 2,655 નવા CNG સ્ટેશનોની જરૂર પડશે અને અંદાજે 45,000 નવી રોજગારીની તકોનું સર્જન થશે.