જૂની ગાડીના સ્ક્રેય સર્ટિફિકેટ આપનાર ગ્રાહકને નવા વાહનની ખરીદીમાં વધારાનું ડિસ્કાઉન્ટ આપવું જોઈએ
નવી દિલ્હીઃ કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ઓટોમોબાઈલ ઉદ્યોગને અપીલ કરી છે કે, જે ગ્રાહકો પોતાની જૂની ગાડીના સ્ક્રેપ સર્ટિફિકેટ આપી નવી ગાડી ખરીદે છે, તેમને વધારાની છૂટ (ડિસ્કાઉન્ટ) આપવી જોઈએ. ગડકરીએ જણાવ્યું કે, તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સમક્ષ પણ વિનંતી કરી છે કે, જૂની ગાડી સ્ક્રેપ કરીને નવી ખરીદનારા લોકોને જીએસટીમાં રાહત અપાવવી જોઈએ.
મંત્રીએ કહ્યું કે સ્ક્રેપ પૉલિસીથી સરકાર અને ઉદ્યોગ બંનેને ફાયદો થશે. જૂની ગાડીઓમાંથી સ્ટીલ અને અન્ય મેટલ્સ મળશે, જેને હાલમાં આયાત કરવી પડે છે. દેશ દર વર્ષે આશરે 60 લાખ ટન સ્ટીલ સ્ક્રેપ આયાત કરે છે. હવે સ્ક્રેપમાંથી મળતા સ્ટીલ, એલ્યુમિનિયમ, લેડ, પ્લેટિનમ અને પેલેડિયમ પર આધારતા ઘટશે. અંદાજ છે કે સ્ક્રેપિંગ પૉલિસીથી 70 લાખ નવી નોકરીઓ સર્જાશે અને સરકારને આશરે રૂ. 40,000 કરોડની વધારાની જીએસટી આવક મળશે.
ગડકરીએ કહ્યું, “જો ગ્રાહકોને સ્ક્રેપ સર્ટિફિકેટ બદલ સારી છૂટ આપશો, તો તમારી વેચાણમાં વધારો થશે, સરકારને ટેક્સ મળશે અને પ્રદૂષણ પણ ઘટશે. આ સૌ માટે વિન-વિન સ્થિતિ છે.” મંત્રીએ વાહન પ્રદૂષણ અંગે જણાવ્યું કે ભારત સીધું જ BS-IV પરથી BS-V પર આવ્યું અને ભવિષ્યમાં યુરોપિયન ધોરણો (BS7) અપનાવશે. તેમણે રોડ સેફ્ટી અંગે ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું કે દેશમાં દર વર્ષે 5 લાખ રોડ અકસ્માત થાય છે, જેમાંથી 1.8 લાખ મોત થાય છે. તેમાંના 66 ટકા મોત 18 થી 34 વર્ષના યુવાનોના થાય છે. ગડકરીએ કહ્યું કે E20 (20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ચાલેલો અભિયાન રાજકીય અને પેઇડ કેમ્પેઇન હતો. કોંગ્રેસે તાજેતરમાં તેમના પર આરોપ મૂક્યો હતો કે તેઓ ઇથેનોલને પ્રોત્સાહન આપે છે કેમ કે તેમના પુત્રોની કંપનીઓ તેનો વ્યવસાય કરે છે. ગડકરીએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા.
તેમણે જણાવ્યું કે ઇથેનોલ માત્ર પેટ્રોલ-ડીઝલ આયાત ઘટાડતું નથી, પરંતુ સસ્તું, પ્રદૂષણમુક્ત અને સંપૂર્ણ સ્વદેશી ઇંધણ છે. ગડકરીએ દાવો કર્યો કે આથી ખેડૂતોને રૂ. 45,000 કરોડ સુધીનો સીધો લાભ થશે, કેમ કે શેરડી, તૂટેલા ચોખા અને મકાઈ જેવા પાકમાંથી ઇથેનોલ તૈયાર કરી શકાય છે. ગડકરીએ ઉમેર્યું કે તાજેતરમાં જીએસટી દરોમાં ઘટાડાથી ઉદ્યોગને વિશાળ લાભ થયો છે. આજના સમયમાં ભારતનો ઓટોમોબાઈલ સેક્ટર વિશ્વમાં ત્રીજા સ્થાન પર છે. જો સરકાર અને ઉદ્યોગ સાથે મળીને કામ કરશે તો આવનારા સમયમાં ભારત વિશ્વનો નંબર 1 ઓટોમોબાઈલ ઉદ્યોગ બની શકે છે.