ગુલામી માનસિકતા જેટલી જ ખતરનાક અધિકારીપણાની માનસિકતા છે
(પુલક ત્રિવેદી)
આજે કોઈને પણ જુઓ તો એ સોશિયલ મીડિયા ઉપર વ્યસ્ત જોવા મળશે. સોશિયલ મીડિયા એક એવું જબરજસ્ત પ્લેટફોર્મ છે કે, જ્યાં એક તરફ ઘણું આશ્ચર્ય પમાડે એવુ સત્ય તરે છે તો બીજી બાજુ બેશુમાર નિરર્થક અને તકલીફ આપે એવી બાબતો પણ વહેતી જોવા મળે છે. નદીના વહેણમાં સારી નરસી બંને પ્રકારની બાબત વહેતીહોય છે. એમાંથી ઉપયોગી અને બિનઉપયોગી વસ્તુઓ તારવવાનું વ્યક્તિની સુઝબુઝ ઉપર અવલંબિત હોય છે. એવી રીતે સોશિયલ મીડિયામાં દેખાતી વિગતોમાંથી કેટલી વિગતો લેવી અને કેટલી ન લેવી એ આપણી વિવેકબુદ્ધિ ઉપર નિર્ભર છે.સોશિયલ મીડિયા ઉપર લટાર મારતા અચાનક એક નવજવાન ચૌધરી નીતિન બાલિયાનની એક પોસ્ટની પહેલી લાઇન વાંચી અને ત્યાં હું રોકાઈ જવા મજબૂર થઈ ગયો. પછી તો મેં ચૌધરી નીતિનની એ આખી પોસ્ટ ખૂબ ધ્યાનપૂર્વક વાંચી. મને ખબર નથી કે આ ભાઈ ક્યાંના રહેવાસી છે? શું કરે છે? એમનું લક્ષ્ય શું છે ? મને એની સાથે કોઈ લેવાદેવા પણ નથી. પરંતુ હા, એક વાત ચોક્કસ છે કે, એણે આ પોસ્ટમાં વ્યક્ત કરેલા દમદાર વિચારો મને જરૂર સ્પર્શી ગયા અને એ લેવા માટે હું ત્યા અટકવા માટે મજબુર બની ગયો.
ભાઈ નીતિનની આ પોસ્ટની વિગતે વાત કરીએ એ પહેલા મોરબીના ઉદ્યોગકાર અને ચિંતક જયસુખભાઈ પટેલના ‘સમસ્યા અને સમાધાન’ પુસ્તકની ચાર લાઈનોથી વાતનો ઉઘાડ કરવો છે. જયસુખભાઈના શબ્દોમાં વ્યક્ત થયેલી પીડાને સમજવાની કોશિશ કરવા જેવી છે.જયસુખભાઈ લખે છે કે, 'પાંચેક હજાર વર્ષો પૂર્વે કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રમાં યુદ્ધ થયેલું. એ યુદ્ધનું નામ મહાભારત. આ એ જ મહાભારતની વાત છે કે, જે અફઘાનિસ્તાનથી લઈને સુમાત્રા-જાવા ટાપુઓ સુધી વિસ્તરેલું હતું. જેમાં આજના બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, વિએટનામ, કંબોડિયા, લાઓસ, શ્રીલંકા જેવા પ્રદેશોનો સમાવેશ થતો હતો. કાળાંતરે આ વિસ્તારો મહાભારતમાંથી વિખુટા પડતા ગયા કે પાડવામાં આવતા ગયા. અને છેલ્લે જે બચ્યું તે આજનું ખંડિત ભારત. અંગ્રેજોની ગુલામીમાંથી 1947માં આપણો દેશ આઝાદ થયો તે તો ખંડિત ભારત હતું. મહર્ષિ અરવિંદ ઘોષની મહેચ્છા અને મત અનુસાર એ અખંડ ભારત વર્ષની આઝાદી ન હતી. અખંડ મહાભારતનો નકશો શ્રી અરવિંદના સાહિત્ય અને પોંડીચેરી આશ્રમમાં સચવાયેલો છે. અખંડ ભારત વર્ષ એટલે મહાભારત.'
જયસુખભાઈના પુસ્તક ‘સમસ્યા અને સમાધાન’ના આ અંશોનું સ્મરણ એટલે થયું કે, મૂળતઃ ભારતના ભવ્ય ભૂતકાળની માત્ર દુહાઈઓ આપીને બેસી રહેવું એ પર્યાપ્ત નથી. પ્રત્યેક ભારતીયની આજની માનસિકતા અંગે સભાનપણે વિચાર કરવાની પણ ચોક્કસ આવશ્યકતા રહે છે.કોઈનાથી અભિભૂત થવા પાછળનું મુખ્ય કારણ સામેવાળાની પ્રભાવક પર્સનાલિટી અને સ્વયંને એમનાથી ઉતરતા હોવાનું જાતે જ નક્કી કરી લેવાની નબળી માનસિકતા છે. એક બીજું કારણ એ પણ દેખાય છે કે, અતી સૌજન્યશીલતા અને પ્રેમથી આદર, માન અને સત્કાર આપવાની ભાવનાનો સામેવાળા દ્વારા થતો દૂર ઉપયોગ. જેમ ઉતરતા સમજવાની મન:સ્થિતિ છે એમ પોતાને હંમેશા ઉપર સમજવાની માનસિકતા પણ છે. બીજા કરતા ઊંચા હોવાની માનસિકતાને અંગ્રેજીમાં એને 'સુપિરિયારીટી કોમ્પ્લેક્સ' કહે છે. આ 'સુપિરિયારીટી કોમ્પ્લેક્સ' કેટલો ખતરનાક છે એ લેખની શરૂઆતમાં જેમનો ઉલ્લેખ કર્યો એ નિતીન ચૌધરીની વાતમાં દેખાય છે.
તો માંડીને હવે વાત કરીએ ભારતમાં રહેલા બ્રિટીશરોની માનસિકતાની. ભારતમાં સેવા બજાવવા ઇંગ્લેન્ડથી મોકલવામાં આવેલા બ્રિટિશ અધિકારીઓને જ્યારે ભારતમાં એમની સેવા સંપન્ન થાય પછી સ્વદેશ ઇંગ્લેન્ડ પરત બોલાવી લેવાતા હતાં. ભારતમાંથી બ્રિટન પરત આવેલા અધિકારીઓનેઇંગલેંડમા કોઈ મહત્વની કે જવાબદારીવાળી જગા ઉપર નિયુક્તિ આપવામાં આવતી નહતી. આની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે, આ અધિકારીઓના દ્રષ્ટિકોણ અને આમ જનતા સાથેની એમની વાણી, વર્તણૂક અને વ્યવહારમાં ઘમંડ અને અધિકારીપણું આવી ગયું હોય શકે એ છે. જો એમને ઇંગ્લેન્ડમાં પણ ઉચ્ચ હોદ્દો આપવામાં આવે તો એ અધિકારી બ્રિટિશ નાગરિકો સાથે પણ ગુલામો જેવો જ વ્યવહાર કરશે અને ઇંગલેંડના લોકો સાથે દુર્વ્યવહાર કરશે એવું માનવામાં આવતું હતું.
એક બ્રિટિશ મહિલાનો પતિ બ્રિટિશ શાસન વખતના ભારતમાં સિવિલ સેવાના ઉચ્ચ અધિકારી તરીકે સેવા આપવા ભારત આવેલો. ઇંગ્લેન્ડ પરત ફરીને આ અધિકારીની પત્નીએ એના સંસ્મરણો આધારિત એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું. બ્રિટેશ ઓફિસર એની પત્ની એટલે કે પુસ્તકની લેખિકા આ મહિલા અને તેના બે બાળકો સાથે ભારતમાં આવ્યા હતા. આ અધિકારીએ ભારતના જુદા જુદા ક્ષેત્રમાં ઘણા વર્ષો પસાર કર્યા હતા. આ મહિલાએ એના પુસ્તકમાં લખ્યું છે કે, મારા પતિ ભારતમાં એક જિલ્લાના ડેપ્યુટી કમિશનર હતા ત્યારે મારો ચાર વર્ષનો દીકરો અને એક વર્ષની દીકરી અમારી સાથે હતા. અમે ડેપ્યુટી કમિશનરને મળતી હજારો એકર જગામાં હવેલી જેવા આલિશાન મકાનમાં ઠાઠથી રહેતા હતા. સેંકડો લોકો ડેપ્યુટી કમિશનર અને એના પરિવારની સેવામાં ચોવિસ કલાક રહેતા હતા.
ત્યાંના મોટા જમીનદારો એમના શિકાર કાર્યક્રમમાં આ બ્રિટિશ પરિવારને આમંત્રિત કરવામાં એમનું ગૌરવ સમજતા. બ્રિટનની મહારાણી કરતા એમની શાન અને રૂતબો ઘણો વધારે હતો. ભારતમાં રેલવેની મુસાફરી દરમિયાન ડેપ્યુટી કમિશનર અને એનો પરિવાર નવાબી ઠાઠથી આલીશાન કપાર્ટમેન્ટમાં સફર કરતો. આ મહિલા લખે છે કે, ‘જ્યારે અમે ટ્રેનના કપાર્ટમેન્ટમાં ચડતા ત્યારે સફેદ કપડામાં સજ્જ ટ્રેનનો ડ્રાઇવર બે હાથ પાછળ રાખીને અમારી સામે હાજર થઈ જતો. ટ્રેનનો ડ્રાઇવર ટ્રેન ચલાવવા માટે અમારી પાસે અનુમતિ માંગતો. અમે અનુમતિ આપીએ પછી જ ટ્રેનને એ ચલાવતો.’
મહિલા આગળ લખે છે કે, ‘મને એક પ્રસંગ યાદ આવે છે, મારા ચાર વર્ષના દીકરાનો એ દિવસે મૂડ બરાબર ન હતો. અમે એ દિવસે ક્યાંક ટ્રેનમાં બહાર જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. અમે ટ્રેનમાં ચડ્યા પછી ટ્રેનનો ડ્રાઇવર ટ્રેનને ચલાવવા માટે મંજૂરી માંગવા અમારી સામે આવ્યો ત્યારે મારા દીકરાએ ટ્રેનને આગળ ન ચલાવવા માટે ડ્રાઇવરને કહ્યું. ટ્રેનનો ડ્રાઇવર તો 'જી છોટે સરકાર' કહીને ટ્રેનને રોકીને ઉભો રહ્યો. એને એમ હતું કે બાળક છે, મજાક કરે છે, થોડીવરમાં હા પાડશે. પણ સમય ઘણો થઇ ગયો.રેલવેના અધિકારીઓ ઉચાનીચા થવા લાગ્યા હતાં. થોડા સમય પછી સ્ટેશન માસ્ટર સહિત રેલવેનો આખો સ્ટાફ મારા બેટા સામે આવીને ટ્રેન ચલાવવા અનુમતિ આપવા માટે એને વિનવવા લાગ્યા. પણ એ ન માન્યો. ચોકલેટ આપવાના ઘણા વાયદા અને મનામણી પછી એ માંડ માન્યો. પછી ટ્રેન ચલાવવા રાજી થઇને અનુમતિ આપી અને ટ્રેન આગળ ચાલી.’
થોડા મહિના પછી આ મહિલા પોતાના સગા, સંબંધી અને મિત્રોને મળવા ઇંગ્લેન્ડ ગઈ હતી. જહાજમાંથી ઉતરીને એને વેલ્સમાં એક કાઉન્ટીમાં આવેલા એના મકાનમાં જવા માટે એમણે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી. ટ્રેનમાં જવા માટે રેલવે સ્ટેશન ઉપર એના બંને બાળકોને લઈને એ પહોંચી. ઇંગ્લેન્ડના એ રેલવે સ્ટેશન ઉપર એણે એના ચાર વર્ષના દીકરા અને એક વર્ષની દીકરીને એક બાંકડા ઉપર બેસાડયા અને એ ટિકિટબારી ઉપર ટિકિટ લેવા માટે ગઈ. ટિકિટ બારી ઉપર લાંબી લાઈન હોવાથી એને સ્વાભાવિક રીતે જ બહુ વાર થઈ ગઈ. જેના પરિણામે એનો દીકરો ખૂબ બેચેન બની ગયો.
માતા સાથે જ્યારે આ દીકરો આલીશાન કમપાર્ટમેન્ટના બદલે ઇંગ્લેન્ડની ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચડ્યો અને એણે એની સીટ જોઈ ત્યારે એ ફરીથી ગુસ્સે થઈ ગયો. પછી ટ્રેન તો એના નિર્ધારિત સમયે અનુસાર ચાલુ થઈ ગઈ. ત્યારે આ બાળક રીતસર ચીસાચીસ કરવા લાગ્યો. એ જોર જોરથી એની મમ્મીને કહેવા લાગ્યો કે, 'આ ટ્રેનનો ડ્રાઇવર કેટલો મૂર્ખ છે. પુછતો પણ નથી. હું પપ્પાને કહીને એને જૂતા ખવડાવીશ.'આ મહિલાએ એના પુસ્તકમાં લખ્યું છે કે, 'એ સમયે મને મારા દીકરાને સમજાવવાનું બહુ ભારે પડ્યું કે, આ એના પિતાજીનો ગુલામ ભારતનો કોઈ જિલ્લો નથી આ તો સ્વતંત્ર ઇંગ્લેન્ડ દેશ છે. અહીં ડેપ્યુટી કમિશનર કક્ષાના ત્રીજા વર્ગના અધિકારી તો શું પ્રધાનમંત્રી કે રાજાને પણ ભારતમાં જેવો મળે છે એવો ઠાઠ નથી મળતો. પોતાનો ગુરુર સંતોષવા બીજાને અપમાનિત કરવાનો કોઈ અધિકાર અહીં નથી મળતો.
ગુલામી માનસિકતા જેટલી જ અધિકારીપણાની માનસિકતા ખતરનાક છે. અધિકારી એટલે દરેક બાબત ઉપર પોતાનો સર્વ અધિકાર સમજવાની માનસિકતા. આ માનસિકતા ખરેખર ભયાનક હોય છે. ભારત સહિત અનેક દેશો પર પોતાનો અધિકારી ડંડો ચલાવનારા અનેક બ્રિટિશ સિવિલ સર્વિસના મુલાજીમો અને એના પરિવારો જ્યારે પોતાના દેશ ઇંગ્લેન્ડમાં પાછા ફર્યા ત્યારે એમની મન:સ્થિતિ અત્યંત દયનીય રહી હશે. આ જ કારણ હતું કે, બ્રિટનમાં પરત ફરિયાદ એ લોકોને કોઈ જાહેર સેવાની જવાબદારી સોંપવામાં આવતી ન હતી. ‘કોઈ ચડિયાતું નથી, કોઈ ઊતરતું નથી અને કોઈ સમાન પણ નથી. પ્રત્યેક વ્યક્તિ અનન્ય, અજોડ છે. ઑશોના શબ્દોમાં કહીએ તો, ‘તું’ ‘તું’ જ છે અને ‘હું’ ‘હું’ જ છું.’