For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વાઘોડિયાથી ડભોઈનો મુખ્ય માર્ગ નાળાની કામગીરીને લીધે એક વર્ષથી બંધ

04:26 PM Mar 03, 2025 IST | revoi editor
વાઘોડિયાથી ડભોઈનો મુખ્ય માર્ગ નાળાની કામગીરીને લીધે એક વર્ષથી બંધ
Advertisement
  • નાળાની ખૂબજ ધીમી કામગીરીને લીધે ગ્રામજનો પરેશાન
  • મુખ્ય માર્ગ બંધ હોવાથી ગ્રામજનોને 40 કિમી ફરીને જવું પડે છે
  • ગ્રામજનોએ દેખાવો કરતા તંત્રએ નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું

વડોદરાઃ રાજ્યમાં રોડ-રસ્તાઓ કે રોડ પર બનાવાતા પુલના કામો ક્યારે ય સમયસર પૂર્ણ થતાં ન હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇથી વાઘોડિયાને જોડતા મુખ્ય માર્ગ ઉપર છેલ્લા એક વર્ષથી નાળું બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ, આ નાળાની કામગીરી પૂરી ન થતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. છેલ્લા એક વર્ષથી આપદા ભોગવી રહેલા ગ્રામજનોએ નાળા પાસે પહોંચી દેખાવો-સુત્રોચ્ચાર કર્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ રસ્તો બંધ હોવાથી ગ્રામજનોને 40 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી રહી છે. આ અંગે આર એન્ડ બીએ જણાવ્યું કે, આગામી 15 એપ્રિલ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવાશે એવું આશ્વાસન આપ્યું છે.

Advertisement

 વડોદરા જિલ્લાના ડભોઇથી વાઘોડિયાને જોડતા મુખ્ય માર્ગ ઉપર છેલ્લા એક વર્ષથી નાળું બનાવવાની કામગીરી ચાલી રહી છે. નાળાની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ  ડભોઇથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ ઉપર મંથર ગતિએ બની રહેલા નાળાના કારણે છેલ્લા એક વર્ષથી રસ્તો બંધ હાલતમાં છે. જેને લઇને રાહદારીઓને 40 કિલોમીટરનું અંતર કાપી વાઘોડિયા જવાનો વારો આવ્યો છે. ડભોઇથી વાઘોડિયા માત્ર 25 કિલોમીટરનું અંતર છે, પરંતુ ઢોલાર ગામ પાસે આવેલું નાળાનું કામ છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ચાલતું હોવાથી મુખ્ય માર્ગ બંધ છે‌. જેને લઇને ડભોઇથી વાઘોડિયા જવા માટે ગોલાગામડી થઈ વાઘોડિયા જવું પડે છે. જેથી 20 કિલોમીટરનું ભાડું વધી જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ગ્રામજનોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, જ્યારથી આ નાળાનું કામ ચાલુ થયું છે ત્યારથી કોઇ અધિકારી કે કોન્ટ્રાક્ટર કામ ચાલતું હોય ત્યારે હાજર હોતા નથી. જેના કારણે તકલાદી કામ થતું હોય તેવી અમને ભીતિ છે. આવનારા સમયમાં જો કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ? તેવા પણ પ્રશ્નો ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. ગ્રામજનો અને રાહદારીઓનું માનવું છે કે, જે કામ છ મહિનાનું છે જેને લંબાવીને દોઢ વર્ષ સુધી લઇ જવાનો અર્થ શું છે. આ અંગે નાયબ કલેક્ટર આર.એન.બી. વિભાગના અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ જ્યારે રજૂઆત કરે છે ત્યારે નવી સમય મર્યાદા વધારી દેવામાં આવે છે. ગ્રામજનોએ આ નાળાનું કામ તકલાદી થઇ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ કામગીરી પૂર્ણ થાય ત્યારે નાળાની ગુણવત્તાની તપાસ કર્યા બાદ જ શરૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

Advertisement

વાઘોડિયા જવા માટે 2000થી વધારે વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાતો અપડાઉન કરી રહ્યા છે. આગામી ચોમાસા પહેલા આ માર્ગ ચાલુ થઈ જાય તેવી ગ્રામજનો આશા રાખી રહ્યા છે. આ અંગેની આર એન્ડ બીના વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત ચોમાસામાં ભારે વરસાદ થયો હતો. ઢાઢર નદીમાં પૂર આવ્યા હતા આથી કામગીરીમાં વિલંબ થયો છે. પરંતુ, આગામી 15 એપ્રિલ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement