વડોદરાની MS યુનિવર્સિટીનો પદવીદાન ન યોજાતા મામલો હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો
- ડિગ્રી સર્ટી વિના તબીબ છાત્રાનો વિઝા અટકતા રિટ,
- મનગતમા મહેમાન ગોતવામાં યુનિ. પદવીદાન યોજી શકતી નથી,
- ડિગ્રી સર્ટીફિકેટની રાહ જોતા વિદ્યાર્થીઓ
વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી એવી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ ન યોજાતા ડિગ્રી સર્ટી. વિના વિદ્યાર્થીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી યુનિવર્સિટીના ધક્કા ખાવા છતાંયે ક્યારે પદવીદાન યોજાશે. તેની તારીખ આપવામાં આવતી નથી. આથી કંટાળીને એક વિદ્યાર્થીએ ન્યાય માટે હાઈકોર્ટમાં રિટ કરી છે. એમબીબીએસની વિદ્યાર્થિનીને ડિગ્રી સર્ટિફિકેટ ન મળતાં અમેરીકામાં ઉચ્ચ અભ્યાસની પ્રક્રિયા અટવાઇ ગઈ છે. જેને પગલે તેણે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તબીબી પિતાએ ઓગષ્ટ મહિનાથી યુનિ.ના ધક્કા ખાધા બાદ આખરે કાયદાકીય મદદ લીધી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરના મનગમતા ચીફ ગેસ્ટ બોલાવાના ચક્કરમાં પદવીદાન સમારોહ સમય પર યોજાઇ શકાતો નથી. આથી યુનિવર્સિટીને કોર્ટમાં જવાબ આપવાનો વારો આવ્યો છે. એમએસ.યુનિ.ના કૂલપતિ હજુ સુધી ચાલુ વર્ષના પદવીદાન સમારોહનું આયોજન કરી શક્યા નથી. જેના પગલે હજારો વિદ્યાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટથી વંચિત રહયાં છે. કોમન એક્ટની જોગવાઈઓ મુજબ સપ્ટેમ્બર માસના અંત પહેલા જ પદવીદાન યોજી દેવો જોઈએ. પરંતુ તે કરવામાં આવ્યું નથી. પરિણામે હજારો વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દીના નક્કર આયોજન માટે કંઈક ને કંઈક મુશ્કેલીઓ અને અડચણો આવી રહી છે.
વડોદરા શહેરના એક જાણીતા અને અગ્રણી તબીબની પુત્રીએ ગત વર્ષે ગોત્રી મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કરીને ચાલુ વર્ષે અમેરીકામાં એમડીના ઉચ્ચ અભ્યાસ અર્થે જવાનું પ્લાનિંગ કર્યું હતું. પરંતુ કોન્વોકેશન નહિ થવાને લીધે તેનું ડિગ્રી સર્ટિફિકેટ હજુ સુધી મળ્યું નથી. વિદ્યાર્થિનીના તબીબી પિતા દ્વારા ઓગષ્ટ મહિનાથી અનેક વાર યુનિવર્સિટીમાં રૂબરૂ મુલાકાત કરી અરજીઓ લખી, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પણ ફરિયાદ કર્યા બાદ પણ કોઇ પરિણામ આવ્યું નથી. વિદ્યાર્થિની દ્વારા પોતાનું ઓરિજિનલ ડિગ્રી સર્ટિફિકેટ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં અમેરીકાની યુનિવર્સિટીમાં જમા નહિ કરાવે તો તેનું એડમિશન પણ રદ્દ થશે તથા તેના વિઝા પણ કેન્સલ થાય તેવી સ્થિતી ઉભી થઇ છે. જેના પગલે આખરે વિદ્યાર્થીનીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.