અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા 14માંથી 7 શખસોના મકાનો તોડી પડાયા
- 7 શખસોએ મકાનો ગેરકાયદે ઊભા કરી દીધા હતા
- મ્યુનિએ પોલીસના સઘન બંદોબસ્ત સાથે ડિમોલેશન કર્યું
- કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ પોતાનુ વર્ચસ્વ જમાવવા માટે આતંક મચાવીને રોડ પર આવતા જતા નિર્દોષ નાગરિકો સાથે મારામારી કરી હતી, તેમજ વાહનોના કોચ તોડ્યા હતા. આ ઘટનાનો સોશિયલ મિડિયોમાં વિડિયો પણ વાયરલ થયો હતો. પોલીસે તાબતોબ એક્શન લઈને આતંક મચાવનારા 14 તોફાની શખસોને દબોચી લીધા હતા. અને જાહેરમાં આરોપીઓને મેથીપાક આપીને પાઠ ભણાવાયા હતા. દરમિયાન 14 પૈકીના 7 આરોપીએ પોતાના મકાનો પણ ગેરકાયદે ઉભા કરી દીધા હોવાનું ધ્યાન પર આવતા અમદાવાદ મ્યુનિની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલીશન માટે પહોંચી હતી. સાત આરોપીઓના ગેરકાયદે મકાનોનું ડીમોલીશન શરૂ કરાતા જ આરોપીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. જો કે, હાજર પોલીસ જવાનોએ સ્થિતિ કંટ્રોલમાં કરી ડીમોલીશન કામગીરી યથાવત રાખી હતી. અમદાવાદ પોલીસ કમિશનર પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.
આ બનાવની વિગતો એવી હતી કે, શહેરના વસ્ત્રાલના મહાદેવનગર નજીક જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા માટે ફરતી હતી.પરંતુ એકબીજાના માણસો મળતા ન હતા.આ સમયે ટોળું એકઠા થઈને મહાદેવ નગર નિરાંત ચોકડી તરફ આગળ વધ્યું અને રસ્તામાં જે પણ આવતું તેની વાહનોમાં તોડફોડ કરીને માર મારતા હતા.આરોપીઓએ પથ્થરમારો કરીને ખુલ્લી તલવાર સાથેના આતંક મચાવ્યો હતો. જતા લોકોને ગંદી ગાળો બોલી માર મારતા હતા. આ બનાવમાં પોલીસે ગુનો નોધી 14 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓને પકડીને સ્થળ પર લઈ જઈને જાહેરમાં ફટકાર્યા હતા. પકડાયેલા આરોપી પૈકી સાત આરોપીઓના મકાન ગેરકાયદેસર હોવાથી મ્યુનિ. કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને આરોપીઓના ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યા હતા.
શહેરના અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં પકડાયેલા 7 આરોપીઓના ગેરકાયદે મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેર પોલીસ કમિશન જી.એસ મલિક પણ ડિમોલિશનની કામગીરી દરમિયાન અલગ અલગ સ્થળ પર હાજર રહ્યા હતા.પોલીસ કમિશનર દ્વારા તમામ આરોપીઓના ઘરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં રહેતા આરોપીઓના ઘરે જ્યારે પોલીસ અને મ્યુનિની ટીમ ડીમોલીશન માટે પહોંચી ત્યારે કેટલાક પરિવારોએ હોબાળો મચાવ્યો હતો અને કામગીરીનો વિરોધ કર્યો હતો.