ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બ્રિસ્બેન ગાબા ખાતે અંતિમ T- 20 ક્રિકેટ મેચ રમાશે
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચોની T- 20 ક્રિકેટ શ્રેણીની અંતિમ મેચ આજે બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે પોણા બે વાગ્યે શરૂ થશે.ગુરુવારે ક્વીન્સલેન્ડમાં રમાયેલી ચોથી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવીને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. આજની મેચમાં માત્ર એક વિકેટ સાથે, ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટ્વેન્ટી20 ક્રિકેટ મેચમાં 100 વિકેટ લેનાર બીજા ભારતીય બોલર બનશે.જો તે આ સિદ્ધિ હાંસલ કરશે, તો તે રમતના ત્રણેય ફોર્મેટમાં 100 થી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર પણ બનશે.
ગાબા ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એકમાત્ર છેલ્લી T20 મેચ 21 નવેમ્બર, 2018 ના રોજ રમાઈ હતી. તે મેચ પણ વરસાદથી પ્રભાવિત રહી હતી, અને ઓસ્ટ્રેલિયા ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ જીતી ગયું હતું. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 158 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 17 ઓવરમાં 174 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ ભારત ફક્ત 169 રન જ બનાવી શક્યું હતું. તે મેચમાં એડમ ઝમ્પાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, તેમણે કેએલ રાહુલ (13) અને વિરાટ કોહલી (4) ના રુપમાં બે મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી.
કુલદીપ યાદવે તે મેચમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. તે આશ્ચર્યજનક હતું કે સ્પિનરોએ ઝડપી બોલરો માટે અનુકૂળ પીચ પર પ્રભુત્વ મેળવ્યું હતું. એડમ ઝમ્પાએ પાછલી T20I માં પણ સારી બોલિંગ કરી હતી, પરંતુ બીજી T20I પછી કુલદીપ યાદવને બહાર કરવામાં આવ્યો હતો. કુલદીપની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને રમાડવામાં આવ્યો હતો, જેના કારણે કુલદીપ પાંચમી મેચમાં પાછો ફરે તેવી શક્યતા ઓછી હતી. ભારત વિજેતા ટીમના સંયોજન સાથે ચેડા કરવા માંગશે નહીં.