પાંજરૂં તોડી મગર બહાર નિકળ્યો, ગાયનો શિકાર કરે તે પહેલા વન વિભાગે પકડી ફરી પાંજરે પૂર્યો
- આમોદમાં વન કચેરી નજીક બન્યો બનાવ,
- વન વિભાગે દેનવા ગામેથી 12 ફુટના મગરને પકડીને પાંજરે પૂર્યો હતો,
- મધરાત બાદ પાંજરૂ તોડી મગર બહાર નિકળી ગયો
વડોદરાઃ આમોદ વન વિભાગના કર્મીઓએ ગઈકાલે સાંજના સમયે દેનવા ગામેથી 12 ફુટના એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પુરીને વન વિભાગની કચેરી લવાયો હતો. વન વિભાગે બીજા દિવસે પાણીમાં મગરને છોડવાનું નક્કી કર્યું હતું, પણ પાંજરે પુરાયેલો મગર રાત્રિના અંદાજીત 12:30 થી 1 વાગ્યાના અરસામાં પાજરૂ તોડીને બહાર આવી ગયો હતો, અને ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આજુબાજુના લોકો જાગી જતાં વન વિભાગને જાણ કરાતા વન વિભાગે ફરીવાર મગરનું રેસ્ક્યુ કરીને પાંજરે પુર્યો હતો.
આમોદમાં વન વિભાગની કચેરી બહાર પાંજરામાં પુરીને રખાયેલો મગર રાતના સમયે પાંજરૂ તોડીને બહાર આવી ગયો હતો, અને રસ્તા પર આવીને ગાયનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. સદ્દનસીબે મગરના હુમલાથી ગાયનો આબાદ બચાવ થયો હતો. રાત્રિના સમયે મગર બહાર આવી જતા સ્થાનિક લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ વન કચેરીના કર્મચારીને ફોન કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા.અને ટેલિફોન એક્સચેન્જના ગેટ પાસેથી ભારે જહેમત બાદ અંદાજીત 10 થી 12 ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી.
વન વિભાગના કર્મચારીઓ જણાવ્યું હતું કે, પાંજરાનો ઉપરનો ભાગ કમજોર હોઈ જેથી અંદર રહેલા મગરે બચકા મારી બહાર આવવાનો રસ્તો બનાવી લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે, કે રાત્રીના સમયે બનાવ બન્યો હોવાથી કહી શકાય કે એક મોટી હોનારત ટળી ગઈ હતી.સુરક્ષિત રીતે પુનઃ મગરને પાંજરે પુરવામાં આવ્યો હતો. જેથી સ્થાનિકો સહિત વન કર્મચારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.