ગુજરાત વિધાનસભામાં 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજુ કરાશે
- ગુજરાતનું આગામી બજેટ 72 લાખ કરોડે પહોંચશે, ગત વર્ષ સામે 12%નો વધારો,
- બજેટને અંતિમ રૂપ આપવા માટે રવિવારે મુખ્યમંત્રી-નાણાંમંત્રીની બેઠક
- બજેટમાં યુવાનો, મહિલા, ગરીબો, ખેડૂતો વધુ લાભ મળશે એવી આશા
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આગામી તા. 19મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. અને બીજા દિવસે તાય20મી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ કરશે. એકંદરે ચાલું નાણાંકીય વર્ષ 2024-25ના કુલ રૂ.3.20 લાખ કરોડના બજેટમાં લગભગ 11.65 ટકા જેટલો વધારો કરીને વર્ષ 2025-26 માટે રૂ.3.72 લાખ કરોડની આસપાસની રકમનું બજેટ રજૂ થાય તેવી શક્યતા છે.
રાજ્યના નાણા વિભાગે બજેટની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ આગામી તા. 20મી ફેબ્રુઆરીએ વિધાનસભામાં વર્ષ 2025-26નું બજેટ રજુ કરશે. બજેટમાં નવા કરવેરા લદાય એની શક્યતા ઓછી છે. જ્યારે અનેક વિકાસલક્ષી કાર્યોની જાહેરાત કરવામાં આવશે. દર વર્ષે સરકાર પોતાના બજેટમાં આગલા વર્ષની સાપેક્ષે 15થી 20 ટકાનો વધારો કરે છે. આગામી બજેટ સામાજિક ક્ષેત્ર તથા આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે દિશામાં જોગવાઈઓ ધરાવતું રહેશે. બજેટમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પાણી પુરવઠા, સિંચાઇ સહિતના કેટલાક મહત્ત્વના ક્ષેત્રને મળતી જોગવાઈઓમાં 10 ટકા જેટલો વધારો થાય તેવી શકયતા છે. વસ્તુત: આગામી બજેટ પણ ગયા વર્ષના અંદાજપત્રની માફક યુવાનો, મહિલાઓ, ગરીબો અને ખેડૂતોને કેન્દ્રસ્થાને રાખીને તૈયાર કરાશે.
સૂત્રોના કહેવા મુજબ ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં મહેસૂલી આવક રૂ.2.29 લાખ કરોડ અને મૂડી આવક રૂ.69,709 કરોડ મળીને કુલ આવક રૂ. 2.99 લાખ કરોડનો અંદાજ મૂકાયો હતો. તેની સામે મહેસૂલ ખર્ચ રૂ.2.20 લાખ કરોડ અને મૂડી ખર્ચ રૂ.75 હજાર કરોડ મળીને કુલ રૂ.2.95 લાખ કરોડ દર્શાવાયો હતો. બજેટને અંતિમ સ્વરૂપ આપવા માટે આગામી રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ, મુખ્ય સચિવ પંકજ જોષી અને ટોચના અધિકારીઓની બેઠક મળશે. વિવિધ વિભાગો દ્વારા રજૂ થયેલી દરખાસ્તોની સમીક્ષા કરી જરૂર લાગે તો એમાં ફેરફાર બાદ તેનો આખરી ડ્રાફ્ટ તૈયાર થશે.