For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાભપાંચમ બાદ મૂહુર્ત કરીને હરાજીનો પ્રારંભ કરાયો

04:07 PM Oct 27, 2025 IST | Vinayak Barot
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાભપાંચમ બાદ મૂહુર્ત કરીને હરાજીનો પ્રારંભ કરાયો
Advertisement
  • મહૂર્તમાં મગફળીના પ્રતિ મણના 1152ના ભાવ મળ્યા,
  • ટેકાના ભાવ કરતા ઓછા ભાવે મગફળી વેચતા ખેડૂતો નારાજ થયા,
  • યાર્ડમાં મગફળી, સોયાબીન, કપાસ, અડદ, જીરુ અને મગની પણ આવક થઈ

રાજકોટઃ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના રજાઓ બાદ આજે સોમવારે મહુર્ત કરીને હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને લાભ પાંચમ બાદ આજે શુભ મુહૂર્તમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું છે. આજના શુભ દિવસે ખેડૂતો તેમજ વેપારીઓએ મગફળી, કપાસ સહિત અન્ય ખરીફ પાકોની જણસની હરરાજીનું મુહૂર્ત કર્યું હતું. આજના દિવસે સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના પાક લઈને યાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા, જેના કારણે યાર્ડમાં મગફળી અને કપાસની આવકોમાં મોટો વધારો જોવા મળ્યો છે. જોકે, લાભ પાંચમના મુહૂર્તના પ્રથમ સોદામાં જ મગફળી ટેકા કરતા ઓછા ભાવ મળતા ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી હતી. જેને લઈને યાર્ડના ચેરમેન જયેશ બોધરાએ ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું

Advertisement

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના મુહૂર્તની આજે પ્રથમ હરરાજીમાં મગફળીના ભાવ પ્રતિ મણ (20 કિલો) ના રૂ. 1152 બોલાયા હતા. આ ભાવ ગયા વર્ષના મુહૂર્તના ભાવ કરતાં થોડા વધારે હોવા છતાં, હાલમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવની સરખામણીમાં ઘણા ઓછા છે. ખેડૂતોને હાલમાં બજારમાં સરેરાશ મગફળીના ભાવ પ્રતિ મણ રૂ. 900 થી લઈને રૂ. 1150 સુધી જ મળી રહ્યા છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે મગફળીના ટેકાના ભાવ રૂ. 1452 પ્રતિ મણ જાહેર કરવામાં આવેલા છે. ખેડૂતોને હાલ બજારમાં જે ભાવ મળી રહ્યા છે તે ટેકાના ભાવ કરતા સીધા જ રૂ. 300 થી રૂ. 400 જેટલા ઓછા છે. ભારે ખર્ચ કરીને અને કુદરતી પ્રકોપનો સામનો કરીને પાક તૈયાર કરનારા ખેડૂતોને આટલો ઓછો ભાવ મળતા આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક હોવા છતાં નીચા ભાવ મળવાથી ખેડૂતો પોતાના પાકને ઓછા ભાવે વેચવા માટે મજબૂર બની રહ્યા છે.

Advertisement

રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોધરાએ આ પરિસ્થિતિ અંગે ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આજે લાભ પાંચમના શુભ મુહૂર્તમાં ખરીફ પાકની હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલમાં મગફળીની આવક ખૂબ જ મોટી છે, જેના કારણે બજારમાં ભાવ ઓછા જોવા મળી રહ્યા છે. જોકે, ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે, અને ટૂંક સમયમાં જ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોએ પોતાનો પાક સુરક્ષિત રાખવો જોઈએ અને સારા ભાવની રાહ જોવી જોઈએ. અમે યાર્ડમાં માલની હરરાજી અને નિકાલની વ્યવસ્થા સુચારુરૂપથી ચાલુ રાખી છે, જેથી ખેડૂતોને વધુ સમય રાહ ન જોવી પડે. મને વિશ્વાસ છે કે ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં જ ખેડૂતોને તેમની યોગ્ય વળતર મળી શકશે. આમ, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમની શરૂઆત ભલે થઈ હોય, પરંતુ મગફળીના નીચા ભાવને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. હવે સૌની નજર રાજ્ય સરકારની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત પર રહેલી છે.

રાજકોટ યાર્ડમાં આજે સોમવારે 1000થી વધુ વાહનોની નોંધપાત્ર આવક થઈ હતી. આ વાહનોમાં મગફળી, સોયાબીન, કપાસ, અડદ, જીરુ અને મગ જેવી જણસીઓની સારીએવી આવક થઈ હતી. જેમાં મગફળીની આવક 35000 મણ, સોયાબીનની આવક 18000 મણ, કપાસની આવક 12000 મણ, અડદની આવક 12000 મણ, જીરુની આવક 3000 મણ અને મગની આવક 9000 મણ થવા પામી હતી. જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી તેમની ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરા, વા.ચેરમેન તથા ડિરેક્ટરો સહિત સ્ટાફ દ્વારા આ સમગ્ર ઉતરાઈ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement