For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય વધારીને રૂ. 1 લાખ કરાઈ

06:44 PM Nov 16, 2024 IST | revoi editor
મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય વધારીને રૂ  1 લાખ કરાઈ
Advertisement

અમદાવાદઃ ખેડૂતોને તેમની ખેતપેદાશોના બજારમાં સારા ભાવ મળે તે માટે ખેતપેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાય અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ હોય ત્યારે જ ખેત પેદાશોનું વેચાણ થાય તે ખૂબ જ જરૂરી છે. પરંતુ અનેક ખેડૂતો પાસે કાપણી પછી ખેતપેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હતી. પરિણામે કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવતો હતો. ગુજરાતના ખેડૂતોની આ વ્યથા સમજીને રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧-૨૨માં નવી “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” અમલમાં મૂકી હતી. 

Advertisement

કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ યોજના અંગે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહસ્થાન ઉભું કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકાઈ હતી. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછુ 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. 

આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 75,000 સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 1 લાખ બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવશે.

Advertisement

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ થી વર્ષ 2023-24 સુધીમાં રાજ્યના 36,600થી વધુ ખેડૂતોને સંગ્રહસ્થાન ઉભું કરવા માટે રૂ. 184.27 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. સહાયની રકમમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે આ યોજના હેઠળ રાજ્યભરના કુલ 13,982 ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે, તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.
     
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવીને પોતાની ખેત પેદાશોને આશરે 16 થી 17 મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા 330 ચોરસ ફૂટના આ સ્ટ્રક્ચરમાં લાંબા સમય સુધી વરસાદ, વાવાઝોડું, તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકશે. એટલું જ નહિ, ખેતી કાર્યોમાં વપરાતી ખાતર, બીયારણ, દવા, ખેત ઓજારો, સિંચાઈના સાધનો અને તાડપત્રી જેવી વિવિધ સામગ્રીને પણ ખેડૂતો આ સંગ્રહ સ્ટ્રક્ચરમાં વ્યવસ્થિત રીતે સાચવી શકશે. પરિણામે ખેડૂતોની આવકમાં વધારો પણ થશે.

Advertisement
Tags :
Advertisement