બાલ વાટિકા અને ધોરણ 1 અને 2ના બાળકોમાં વાંચન-લેખન ક્ષમતાની ચકાસણી
- ગુજરાતભરમાં 6000 સરકારી શાળાઓમાં શિક્ષણ ઓડિટ
- એક સપ્તાહમાં 6.60 લાખ બાળકોમાં લેખન-વાંચનની ક્ષમતાની ચકાસણી કરાઈ
- સરકારને રિપોર્ટ અપાયા બાદ ખામીઓ હશે તો સુધારો કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં સરકારી શાળાઓમાં ભણતા ઘણા બાળકોને લખતા-વાંચતા પણ આવડતું હોતું નથી. ત્યારે શિક્ષકો બાળકોને કેવું ભણાવે છે, અને બાળવાટિકા અને ધોરણ 1 અને 2ની બાળકોને વાંચન-લેખનની ક્ષમતાની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેમાં 6000 સ્કૂલોના 6.50 લાખ વિદ્યાર્થીઓની વાચન-લેખન-ગણતરીની ક્ષમતાની ચકાસણી થઈ છે. અને 24મી માર્ચ સુધીમાં રાજ્યની 28 હજાર સ્કૂલોના 11.50 લાખ વિદ્યાર્થીઓની વાચન-લેખન-ગણતરીની ચકાસણી કરાશે
રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોના બાલ વાટિકા, ધો.1 અને 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વાંચન - લેખન - ગણતરીની ક્ષમતાની ચકાસણી પ્રક્રિયાનો ગત ત્રીજી માર્ચથી પ્રારંભ કર્યો છે. જેમાં ત્રીજી માર્ચથી 11મી માર્ચ કુલ આઠ દિવસોમાં 6000 સ્કૂલોના 6.50 લાખ વિદ્યાર્થીઓની વાચન-લેખન-ગણતરીની ક્ષમતાની ચકાસણી થઈ છે. આગામી 24મી માર્ચ સુધીમાં રાજ્યની 28 હજાર સ્કૂલોના 11.50 લાખ વિદ્યાર્થીઓની વાચન-લેખન-ગણતરીની ચકાસણી કરાશે. આ ચકાસણી બાદ 31મી માર્ચ સુધીમાં ડેટા એન્ટ્રી કરાશે.
રાજ્યના 33 જિલ્લાની પ્રાથમિક વિભાગની 34 હજાર સ્કૂલોમાં ભણતા 18 લાખ વિદ્યાર્થીઓ માટે એનઈપી-2020 અને નિપુણ ભારત અભિયાનના અનુસંધાને અમદાવાદ સહિત રાજ્યની બાલ વાટિકા, ધોરણ- એક અને ધોરણ- 2ના વિદ્યાર્થીઓ માટે વાચન,લેખન, ગણનની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેનો રિપાર્ટ સરકારને સોંપવામાં આવશે. સર્વેક્ષણ - ચકાસણીમાં વિદ્યાર્થીઓની ખામીઓને અલગ તારવાશે. તે વિદ્યાર્થીની ખામીઓની ચકાસણી કરીને તેને લગતી દરેક સ્કૂલ પોતાના વિદ્યાર્થીની ડેટા એન્ટ્રી કરશે. જેના આધારે જે બાળકો વાચન-લેખન અને ગણનામાં નબળા હશે તેને અલગ તારવીને તેમને ઉપચારાત્મક શિક્ષણ અપાશે. મે મહીનાના વેકેશન પહેલા શિક્ષકો વિદ્યાર્થીઓને તાલીમ આપશે.