આતંકવાદ સમગ્ર માનવજાત માટે અભિશાપઃ અમિત શાહ
નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે 2008ના 26/11 મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકો અને સુરક્ષા કર્મીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેમણે જણાવ્યું કે, “આજના જ દિવસે આતંકીઓએ મુંબઈ પર હુમલો કરીને અમાનવીય કૃત્ય કર્યું હતું. મુંબઈ હુમલાનો સામનો કરતા શહીદ થયેલા તમામ વીરજવાનોને હું નમન કરું છું.” ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, “આતંકવાદ કોઈ એક દેશ માટે નહીં, પણ સમગ્ર માનવજાત માટે એક મોટું અભિશાપ છે.”
તેમણે કહ્યું કે, ભારત સરકારે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સીની નીતિ અપનાવી છે, જેને વિશ્વ સ્વીકારી રહ્યું છે અને ભારતના આતંકવાદ વિરોધી મિશનને વૈશ્વિક સમર્થન મળી રહ્યું છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ X પર લખ્યું હતું કે,“26/11ના મુંબઈ આતંકી હુમલામાં પોતાના પ્રાણોનું સર્વોચ્ચ બલિદાન આપનાર તમામ જવાનો, પોલીસકર્મીઓ અને નાગરિકોને હું હૃદયપૂર્વક નમન કરું છું.” તેમણે આગળ જણાવ્યું કે, આતંકીઓની કાયરાના હરકતના કારણે અનેક નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા, જ્યારે ભારતીય સુરક્ષા દળોએ શૂરવીરતા અને પરાક્રમ બતાવીને આતંકીઓને તેમની ભાષામાં જ જવાબ આપ્યો હતો.
કૃષિ અને ખેડૂતો કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “મુંબઈ 26/11 હુમલામાં શહીદ થયેલા તમામ નિર્દોષ નાગરિકોને હું વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. અને માતૃભૂમિની રક્ષા માટે બલિદાન આપનારા વીર જવાનોને હૃદયથી નમન.”