પાકિસ્તાનના ક્વેટા શહેરમાં ભયાનક વિસ્ફોટ, 6થી વધારે લોકોનાં મોત
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં મંગળવારે જબરદસ્ત બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં છ લોકોની ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળે છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
બલૂચિસ્તાનના આરોગ્ય વિભાગના સચિવે જણાવ્યું કે, વિસ્ફોટ બાદ ક્વેટાની તમામ હોસ્પિટલોમાં ઇમર્જન્સી લાગુ કરવામાં આવી છે. તમામ ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ અને નર્સોને ફરજ પર હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સ્થાનિક મીડિયા મુજબ, બોમ્બ વિસ્ફોટ ક્વેટાની ઝરગુન રોડ નજીક થયો હતો. ઘટના સ્થળ પરનો વિડિઓ સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે વ્યસ્ત માર્ગ પર અચાનક જ તીવ્ર ધમાકો થયો અને લોકો તેની ચપેટમાં આવ્યા હતા. વિસ્ફોટમાં ગાયલોને સિવિલ હોસ્પિટલ સહિત વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
સ્થાનિક સમાચારમાધ્યમોના જણાવ્યા પ્રમાણે, આ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ હોવાનું અનુમાન છે. નોંધનીય છે કે, 4 સપ્ટેમ્બરના રોજ પણ ક્વેટામાં એક રાજકીય રેલી દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 15 લોકોનું મૃત્યુ થયું હતું અને 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક તંત્ર અને સુરક્ષા જવાનો ઘટના સ્થળની તપાસમાં લાગેલા છે અને ભયંકર પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે કાર્યવાહી ચાલુ છે.