ગુજરાતમાં હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થશે, બે દિવસમાં ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી જશે
- સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી
- હવામાન વિભાગે 3થી 8 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરી
- કેટલાક વિસ્તારોમાં માવઠુ પણ પડી શકે છે
અમદાવાદઃ રાજ્યમાં આજથી તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારે 41 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે કંડલા અને રાજકોટમાં 42 ડિગ્રી અને સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી નોંધાયું હતુ. હવામાન વિભાગે કચ્છ, પોરબંદર, રાજકોટ, અને જુનાગઢમાં હીટવેવની આગાહી કરી છે, હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસના કહેવા મુજબ 3થી 8 તારીખ સુધી હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. જ્યારે અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં સામાન્ય માવઠુ પડવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના પોરબંદરમાં આજથી ત્રણ દિવસ ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 6થી 8 તારીખ સુધીમાં કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર તથા મોરબી, જુનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દરિયાકિનારાના ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.
ગુજરાતમાં એપ્રિલ મહિનામાં પલટાયેલા વાતાવરણ સાથે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. એપ્રિલ મહિનો શરૂ થતા જ સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. 1 એપ્રિલે 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી સાત દિવસ દરમિયાન રાજકોટમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજ્યના પૂર્વ અને દક્ષિણના જિલ્લાઓમાં થન્ડરસ્ટોર્મ અને છુટાછવાયા હળવા વરસાદની આગાહી છે.
રાજકોટમાં છેલ્લા દાયકામાં પડેલી ગરમીની યાદ તાજી કરી છે. રાજકોટમાં વર્ષ 2017માં એપ્રિલમાં મહત્તમ 44.8 અને એ પછી વર્ષ 2019માં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સમયે આકાશમાંથી જાણે અગનવર્ષા વરસતી હોય તેવો અનુભવ થતો હતો અને બપોરે ગરમીનો કર્ફ્યૂ લાગ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા દાયકામાં વિવિધ વર્ષોમાં એપ્રિલ મહિનામાં નોંધાયેલા તાપમાનની વિગતો જોઈએ તો, વર્ષ 2022માં 43.70 ડિગ્રી ગરમી, 2020માં 43.30 ડિગ્રી, વર્ષ 2010માં 43.10 ડિગ્રી, વર્ષ 2018માં 43 ડિગ્રી, વર્ષ 2021માં 42.30 ડિગ્રી તથા વર્ષ 2023માં 41.50 ડિગ્રી તાપમાન રહ્યું હતું.