ગુજરાતમાં તાપમાનમાં વધારો, કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં રેડ એલર્ટ
- સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો
- ભૂજ અને અમરેલી અને ડીસામાં ગરમી 42 ડિગ્રી
- અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદઃ રાજ્યમાં ઉનાળો આકરો બની રહ્યો છે. આજે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ભૂજ, અમરેલી અને ડીસામાં કાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો હતો, આજે સુરેન્દ્રનગર પોરબંદર અને કચ્છને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું,
ગુજરાતમાં ઉનાળાના પ્રારંભ સાથે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લો, પોરબેદર જિલ્લો અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, રાજકોટ, બોટાદ ભાવનગર સહિત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આમ આ વર્ષે માર્ચ મહિનામાં જ આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતનું હવામાન આગામી સાત દિવસ સુકું રહેવાની આગાહી છે. ગુજરાતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી કોઈ શક્યતા નથી. હાલ જે તાપમાન છે તે પ્રમાણે જ આગામી 24 કલાક સુધી રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન પ્રવર્તશે. પવનની દિશા ઉત્તર પશ્ચિમની છે. આજે સૌથી મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. પવનની દિશા બદલાતા હવે 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે. આવતીકાલથી ગરમીમાંથી આંશિક રાહત મળે તેવી શક્યતા છે.
અમદાવાદમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરીજનોને ગરમીથી બચાવવા હીટ એક્શન પ્લાન અમલમાં મુક્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે ઉનાળું વેકેશન સુધી શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. શિક્ષણ બોર્ડે સવાર પાળીનો સમય 7થી 12 અને બપોર પાળીનો સમય 12થી 5 સુધીનો કર્યો છે. નોંધનીય છે કે, 5 મેથી ઉનાળુ વેકેશન શરુ થવાનું છે. ત્યારે ઉનાળુ વેકેશન શરુ ન થાય ત્યાં સુધી તમામ શાળાઓએ સવાર પાળી અને બપોર પાળી માટે આ જ સમયનું પાલન કરવાનું રહેશે.
રાજ્યમાં આગામી ચાર દિવસ હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે હીટવેવમાં ઉચ્ચ તાપમાન, લાંબા સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેલા અથવા ભારે કામ કરતાં લોકોમાં ગરમીથી બીમારીના લક્ષણોની શક્યતા વધી જાય છે. જેમાં નબળા લોકો સહિત બાળકો, વૃદ્ધો ક્રોનિક રોગ ધરાવતા લોકોમાં આરોગ્યની ચિંતા રહે છે.