દિલ્હી એરપોર્ટ ઉપર સર્જાયેલી ટેકનિકલ સમસ્યાનું નિરાકરણ કરાયુંઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલય
નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે ભારતીય હવાઈમથક સત્તામંડળે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઓટોમેટેડ મેસેજ સ્વિચિંગ સિસ્ટમ સાથેની ટેકનિકલ સમસ્યાનું નિરાકરણ કર્યું છે. આ ખામીને કારણે ફ્લાઇટ પ્લાન સંદેશાઓની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો હતો. સિસ્ટમ હવે કાર્યરત છે. ટેકનિકલ સમસ્યાને કારણે હવાઈમથકે ઘણી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો.
મંત્રાલયે એક નિવેદનમાં ખાતરી આપી કે દિલ્હી હવાઈમથક પર ફ્લાઇટની ઉડાન સામાન્ય થઈ જશે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઓટોમેટેડ મેસેજ સ્વિચિંગ સિસ્ટમમાં આ સમસ્યા મળી આવી હતી. નાગરિક ઉડ્ડયન સચિવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ અને અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને સમસ્યાઓના ઉકેલ માટે જરૂરી સૂચનાઓ આપી હતી. મંત્રાલયે એરલાઇન્સ અને મુસાફરોને થતી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.