TAT પાસ ઉમેદવારોએ શિક્ષકોની ભરતીનો બીજો રાઉન્ડ યોજવાની માગ સાથે દેખાવો કર્યા
- ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારોએ દેખાવો કર્યા,
- 3500થી વધુ જગ્યા ખાલી હોવા છતાંયે ભરતી કરાતી નથી,
- ઉમેદવારો નોકરી માટે વયમર્યાદા વટાવે તે પહેલા ભરતી કરવા માગ
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ટેટ પાસ ઉમેદવારોએ તેમની પડતર માંગણીઓના ઉકેલ માટે ધરણા પ્રદર્શન કરાયા હતા. છેલ્લા દસ વર્ષથી શિક્ષક બનવાની રાહ જોઈ રહેલા ઉમેદવારોએ શિક્ષક ભરતી પ્રક્રિયામાં બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવાની માગ કરી છે. ટાટ પાસ ઉમેદવારોની ઉંમર 40 વર્ષની નજીક પહોંચી ગઈ છે અને આ ભરતી તેમના માટે છેલ્લી તક સમાન હોવાનું કહેવાય છે.
ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષકોની ભરતીનો બીજો રાઉન્ડ જાહેર કરવામા માગ સાથે ધરણા કર્યા હતા. ઉમેદવારોની રજૂઆત મુજબ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે 27 જૂન 2025થી 27 જુલાઈ 2025 દરમિયાન શિક્ષક ફાળવણી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 10,700 જગ્યાઓમાંથી 3,500થી વધુ જગ્યાઓ ખાલી રહી ગઈ છે. ઉમેદવારોની મુખ્ય માંગણી છે કે, આ ખાલી રહેલી જગ્યાઓ પર મેરિટના આધારે બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવામાં આવે.જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપી છે.
ટાટ ઉતિર્ણ કરેલા ઉમેદવારો વર્ષોથી ભરતીની રાહ જોઈ રહ્યા છે. પ્રથમ ભરતીમાં ટાટ પાસ ઉમેદવારોને ચાન્સ મળ્યો નથી. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં હજુ 3500 જેટલી જગ્યાઓ ખાલી છે. ત્યારે ભરતીને બીજો રાઉન્ડ જાહેર કરવાની માગ કરવામાં આવી છે, ટાટ પાસ કરેલા મોટાભાગના ઉમેદવારો 40 વર્ષની વય વટાવવાની તૈયારીમાં છે. એટલે સરકારી નોકરી માટે તેમના માટે છેલ્લો ચાન્સ છે.