તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું અમેરિકામાં નિધન, ચાહકો આઘાતમાં ગરકાવ
પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું નિધન થતા તેમના કરોડો ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. તેમને હૃદય સંબંધી તકલીફ થથા ગંભીર હાલતમાં અમેરિકાની સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 73 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા છે. ત્યારે આવો નજર કરીએ તેમના કેટલાક રોચક તથ્યો વિષે..
ઉસ્તાદ ઝાકિર હુસૈનનો જન્મ 1951માં મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ ઉસ્તાદ અલ્લાહ રખા કુરેશી અને માતાનું નામ બીવી બેગમ હતું. ઝાકીરના પિતા અલ્લાહ રખા પણ તબલા વાદક હતા. ઝાકિર હુસૈને તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈના માહિમની સેન્ટ માઈકલ સ્કૂલમાંથી મેળવ્યું હતું. આ ઉપરાંત મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી પણ ગ્રેજ્યુએશન કર્યું હતું.
ભારત સરકાર તરફથી ઝાકિર હુસૈનને વિવિધ પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઝાકિર હુસૈનનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને ભારત સહિત અનેક દેશોમાં તેમના કરોડો ચાહકો છે. તેઓ વિશ્વના મહાન તબલાવાદકોમાંના એક ગણાય છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તેમનું યોગદાન ઘણું મોટું છે. ઝાકિર હુસૈનને ભારતીય શાસ્ત્રીય સંગીતના વૈશ્વિક એમ્બેસેડર તરીકે ઓળખવામાં આવી હતી જ્યારે તેમને 1999માં યુએસ નેશનલ એન્ડોવમેન્ટ ફોર ધ આર્ટ્સ દ્વારા નેશનલ હેરિટેજ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી.
કિર હુસૈન છેલ્લા 40 વર્ષથી અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કોમાં રહેતા હતા. ઝાકિર હુસૈનની સિદ્ધિઓની વાત કરીએ તો તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનને ભારત સરકાર દ્વારા 1988માં 'પદ્મશ્રી', 2002માં 'પદ્મ ભૂષણ' અને 2023માં 'પદ્મ વિભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 8 ફેબ્રુઆરી 2009ના રોજ ગ્રેમી એવોર્ડ્સમાં, તેમણે 'ગ્લોબલ ડ્રમ પ્રોજેક્ટ' આલ્બમ માટે 'ગ્રેમી' પુરસ્કાર જીત્યો હતો.
અત્યાર સુધી ઝાકિર હુસૈન સાત વખત 'ગ્રેમી' માટે નોમિનેટ થઈ ચૂક્યા છે, અને ચાર વખત આ એવોર્ડ જીતી ચૂક્યા છે. તેમને ફેબ્રુઆરી 2024માં ત્રણ 'ગ્રેમી એવોર્ડ્સ' મળ્યા હતા. ઝાકિર હુસૈનનું અમેરિકામાં પણ સન્માન કરવામાં આવતું હતું. 2016માં ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાએ તેમને ઓલ સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા માટે વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું. ઝાકિર હુસૈન આ આમંત્રણ મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર હતા.