જાફરાબાદથી 22 નોટિકલ માઈલ દુર દરિયામાં નાસી ગયેલી શંકાસ્પદ બોટ દમણથી પકડાઈ
- માછીમારોએ શંકાસ્પદ બોટ અંગે કોસ્ટગાર્ડને જાણ કરી હતી
- કોસ્ટગાર્ડે બોટને રોકવાની કોશિષ કરતા બોટ નાસી ગઈ હતી
- બોટનો હોલિકોપ્ટરથી પીછો કરવામાં આવ્યો હતો
અમદાવાદઃ અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરથી 22 નોટિકલ માઈલ દુર મધ દરિયે ગઈકાલે રવિવારે માછીમારોએ એક શંકાસ્પદ બોટને જોતા આ અંગે કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી હતી. કોસ્ટગાર્ડનો કાફલોએ ત્વરિત પહોંચીને શંકાસ્પદ બોટને આંતરીને ઊભી રખાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ શંકાસ્પદ બોટ કોસ્ટગાર્ડને જોઈને નાસી ગઈ હતી. દરમિયાન હેલિકોપ્ટરથી બોટની ભાળ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિ હોવાથી અને શંકાસ્પદ બોટ જોવા મળતા સૌરાષ્ટ્રના બંદરોને હાઈએલર્ટ અપાયું હતું. અને શંકાસ્પદ બોટની શોધખોળ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન શંકાસ્પદ બોટને આખરે દમણના મધ દરિયામાંથી આંતરી લેવાઈ છે. હાલ આ બોટ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
અમરેલીના જાફરાબાદના દરિયામાં રવિવારે એક શંકાસ્પદ બોટ દેખાઈ હતી. જે જાફરાબાદથી 22 નોટિકલ માઈલ દૂર આ બોટ દેખાઈ હતી. માછીમારોએ બોટ રોકવાનો કર્યો પ્રયાસ, પરંતુ તે રોકાઈ ન હતી. બોટ ભાગતાં કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી હતી. કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરથી બોટનો પીછો કર્યો હતો. શંકાસ્પદ બોટને કારણે દરિયામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. આખરે આ બોટને દમણના દરિયા કિનારે આંતરી લેવાઈ હતી. પ્રાથમિક તપાસમાં આ બોટ ફિશિંગની હોવાની માહિતી મળી હતી. હેલિકૉપ્ટટર મારફતે બોટને આંતરી લેવાઈ હતી. કેટલાક બોટમાં સવાર લોકોને રાઉન્ડઅપ કરી બહાર કાઢી લેવાયા છે. કોસ્ટગાર્ડ દ્વારા બોટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. બોટમાં રહેલા લોકો કોણ છે આ અંગે હજુ સુધી કોઈ એજન્સીએ સ્પષ્ટતા નથી કરી. તેમજ આ બોટ કોસ્ટગાર્ડને જોઈને કેમ ભાગી હતી, તે પણ હજી સામે આવ્યું નથી. દમણ દરિયાઈ માર્ગ પરથી શંકાસ્પદ બોટ સુધી ઈન્ડિયન કોસ્ટગાર્ડ પહોંચી ચૂક્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ફીશરીઝ વિભાગ દ્વારા પોરબંદર જિલ્લાની તમામ બોટોને માછીમારી માટે દરિયામાં જવા મંજુરી અપાઈ હતી. 14 મે 2025 થી માછીમાર બોટોને ટોકન ઈશ્યુ કરવા આદેશ કરાયા હતા. આઇએમબીએલ તથા નો ફિશીંગ ઝોનમાં માછીમારી માટે નહીં જવા સુચના જાહેર કરાઈ છે. માછીમારી બોટોએ સમુહમાં માછીમારી કરવા અને સંદેશાવ્યવહાર ચાલુ રાખવા જાણ કરવામાં આવી છે. દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ અથવા વ્યક્તિઓ જણાય તો સુરક્ષા એજન્સીઓને જાણ કરવા સુચના અપાઈ. ઓપરેશન સિંદૂર સમયે સરકારે માછીમારી બોટોને પરત બોલાવી લેવાઈ હતી.