નેપાળમાં સુશીલા કાર્કીના મંત્રીમંડળનું વિસ્તરણ, ત્રણ નવા મંત્રીઓએ સંભાળ્યો કાર્યભાર
કાઠમંડુ : નેપાળની પ્રધાનમંત્રી સુશીલા કાર્કીએ સોમવારે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. જેમાં રામેશ્વર ખનલ, ઓમપ્રકાશ અર્યાલ અને કુલ્માન ઘિસિંગને નવા મંત્રી તરીકે શપથ અપાઈ હતી. ખનલને નાણાં મંત્રાલય, અર્યાલને ગૃહ મંત્રાલય તેમજ કાનૂન મંત્રાલયની વધારાની જવાબદારી સોંપાઈ છે. જ્યારે કુલ્માન ઘિસિંગને ઊર્જા મંત્રાલય સાથે ભૌતિક પૂર્વાધાર, વાહનવ્યવહાર અને શહેરી વિકાસ મંત્રાલયનો કાર્યભાર આપવામાં આવ્યો છે. રામેશ્વર ખનલ અગાઉ આર્થિક સુધાર સુચન આયોગના અધ્યક્ષ તેમજ સચિવ રહી ચૂક્યા છે. ઓમપ્રકાશ અર્યાલ વકીલ તરીકે જાણીતા છે. કુલ્માન ઘિસિંગ નેપાળ વિજળી પ્રાધિકરણના ભૂતપૂર્વ કાર્યકારી નિર્દેશક છે, જેમને ઓલી સરકાર દરમિયાન હટાવવામાં આવ્યા હતા. તેમનું નામ એક સમયે પ્રધાનમંત્રી પદ માટે પણ ચર્ચામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે ગયા શુક્રવારે સુશીલા કાર્કીને આંતરિક સરકારના વડા તરીકે નિમ્યા હતા. રવિવારે તેમણે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો. કાર્કી પાસે આવનારા 5 માર્ચ સુધી નવા ચૂંટણી યોજીને પદ છોડવાનો સમય છે, ત્યારબાદ સંસદ દ્વારા નવા પ્રધાનમંત્રીની પસંદગી કરવામાં આવશે. સિંહદરબારમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતાં કાર્કીએ કહ્યું કે તેમની સરકાર સત્તાનો સ્વાદ માણવા માટે નહીં પરંતુ દેશને સ્થિર કરવા, ન્યાયની માંગણીઓ પૂર્ણ કરવા અને છ મહિનામાં નવી ચૂંટણીની તૈયારી કરવા માટે સત્તામાં આવી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “હું અને મારી ટીમ છ મહિના કરતાં વધુ નહીં રહીએ. નવી સંસદને જવાબદારી સોંપી દેશને આગળ ધપાવશું.”
પ્રધાનમંત્રી કાર્કીએ જણાવ્યું કે વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલી તોડફોડ અને હિંસાની તમામ ઘટનાઓની તપાસ સરકાર કરશે. સાથે જ મૃતકોના કુટુંબોને મદદ કરવાનો વિશ્વાસ આપ્યો હતો. બીજી તરફ, સશસ્ત્ર સીમા બળ (SSB)એ નેપાળની વિવિધ જેલોમાંથી ફરાર થયેલા કુલ 79 કેદીઓને ભારત-નેપાળ સીમા પર ઝડપી પાડ્યા છે. આ કેદીઓ ભારતના વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમાં બે નાઇજીરિયન, એક બ્રાઝિલિયન અને એક બાંગ્લાદેશી નાગરિક પણ સામેલ છે. આ વિદેશી કેદીઓની ઉંમર 29 થી 40 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે.