For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 63 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, 14 જિલ્લામાં યલો એલર્ટ

04:46 PM Oct 31, 2025 IST | Vinayak Barot
ગુજરાતમાં આજે બપોર સુધીમાં 63 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ  14 જિલ્લામાં યલો એલર્ટ
Advertisement

અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 63 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુકાય રહ્યો છે, રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે વહેલી સવારે ધૂમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી. અને દિવસ દરમિયાન આકાશ વાદળછાંયુ રહ્યું હતું. ગુજરાતમાં 6 નવેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે હજી પહેલી નવેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

Advertisement

હવામાન વિભાગના આજના બપોરના 12 કલાકના વેધર બુલેટિન પ્રમાણે, પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું હતું. આજે આ ડિપ્રેશન વેરાવળ (ગુજરાત) થી લગભગ 300 કિમી દક્ષિણપશ્ચિમ, દીવથી 320 કિમી દક્ષિણપશ્ચિમ, મુંબઈ (મહારાષ્ટ્ર) થી 460 કિમી પશ્ચિમ અને પંજી (ગોવા) થી 680 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં સ્થિત છે. આગામી 24 કલાક દરમિયાન તે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ગુજરાત કિનારા તરફ લગભગ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે. ત્યારબાદ ધીમે ધીમે તે નબળું પડવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી બે  દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ સાથે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પોર્ટ પર 3 નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લામાં યલો એલર્ટ સાથે છુટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

રાજ્યમાં આજે વહેલી સવારથી ઠંડો પવન ફૂંકાવાનો શરૂ થતા ઠંડીનો માહોલ છવાયો છે. વાદળછાયું વાતાવરણ પણ સર્જાયું છે અને વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેને કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. હાલમાં વલસાડ, સુરત, નવસારી, ભાવનગર, સાબરકાંઠા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. ગણદેવી, વાપી, તળાજા, ઉમરગામ, ભાવનગરના મહુવા, વલસાડના પારડી, ચીખલી સહિત 63 તાલુકામાં વરસાદ પડ્યો હતો. માવઠાને લીધે ડાંગર, મગફળી, કપાસ સહિતના તૈયાર પાકમાં ભારે નુકસાન થયું છે. હવે સરકાર સહાય કરે તે માટે ખેડૂતો મીટ માંડીને બેઠા છે.

Advertisement
Tags :
Advertisement