સુરેન્દ્રનગર મ્યુનિ. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ 7 મહિનાથી પગારથી વંચિત
- સુરેન્દ્રનગર મ્યુનિના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ પાણી વિતરણ રોકવાની ચિમકી આપી,
- મ્યુનિના અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતાંયે બાકી પગાર ચુકવાતો નથી
- 7 મહિનાથી પગાર ન થતાં કર્મચારીઓની હાલત કફોડી
સુરેન્દ્રનગરઃ શહેરમાં નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ પણ મ્યુનિને આર્થિક સમસ્યા નડી રહી છે. મ્યુનિ.માં કોન્ટ્રાક્ટ બેઝ હેઠળ કામ કરતા કર્મચારીઓને છેલ્લા 7 મહિનાથી પગાર અપાયો નથી. પગાર નહીં મળતા કર્મચારી પરિવારોની હાલત કફોડી બની છે. કર્મચારીઓ રજુઆત કરીને થાકી ગયા છે. હવે કર્મચારીઓએ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવવાની ચિમકી આપતા મ્યુનિના અધિકારીઓ વહેલીતકે બાકી પગાર ચુકવવાની હૈયાધારણ આપી રહ્યા છે.
સુરેન્ર્દનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ જવાની શક્યતા છે. મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓએ પાણી વિતરણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર અને રતનપર શહેરી વિસ્તારોમાં પાણી વિતરણનું કામ કરતા 60થી વધુ કર્મચારીઓને છેલ્લા સાત માસથી પગાર મળ્યો નથી. કર્મચારીઓએ આ મુદ્દે મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી હતી.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સત્તાધિશોએ એક માસનો પગાર ચૂકવવાની વાત કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કર્મચારીઓએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો નથી. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં તેમનો બાકી પગાર નહીં ચૂકવાય તો શહેરી વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. હોળી, ધૂળેટી અને ઈદના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે પાણી વિતરણ બંધ થવાથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. નાગરિકોને પીવાના પાણીની સમસ્યા ન થાય તે માટે તંત્રએ તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી બન્યો છે.