સુરત શહેરમાં મોડીરાતે અને બપોરે વરસાદ પડ્યો, અનેક વૃક્ષો થયા ધરાશાયી
- ભારે પવનને લીધે પતરા અને સોલાર પેનલો ઊડી
- નીચાણવાળા વિલ્તારોમાં પાણી ભરાયા
- રોડ પર પડી ગયેલા વૃક્ષો હટાવવા ફાયર વિભાગે જહેમત ઉઠાવી
સુરતઃ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોસ સર્જાયો છે. સુરત શહેરમાં ગઈકાલે વાતાવરણમાં આવેલા પલટા બાદ મોડી રાતે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે રોડ-રસ્તાઓ પરના ઘણાબધા વૃક્ષો ધરાશાયી થયા હતા. તો ક્યાંક પતરા અને સોલાર પેનલ પણ ઉડી ગઈ હતી. દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં આજે દિવસ દરમિયાન પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા.
સુરતના મંગળવારે રાતે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. શહેરના હનીપાર્ક વિસ્તારમાં અભિનવ સોસાયટીના બિલ્ડીંગ પર લાગેલી સોલાર પેનલો ભારે પવન ફુંકાવાને કારણે ખૂબ દૂર સુધી ઉડી હતી. મુકતાનંદ સોસાયટીમાં પણ ઉપર ટેરેસના ભાગે સોલાર પેનલમાં લગાડેલા એંગલ ઉડીને આવતા સીધા પાણીની ટાંકીની આરપાર નીકળી ગયા હતા. એટલું જ નહીં પરંતુ, જે પેનલો હતી તે પેનલો નીચે પાર્ક કરેલી ગાડીઓ ઉપર પણ પડી હતી જેને કારણે કેટલાક ફોરવ્હીલને પણ નુકસાન થયું હતુ. ભારે પવનને કારણે ઉડીને આવતી સોલાર પેનલ જોખમી પૂરવાર થઈ હતી.
સુરત શહેરમાં ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યા બાદ મોડી સાંજે ભારે પવન ફૂંકાયો હતો. તેમજ કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ ખાબક્યો હતો. વધુ પવન ફૂંકાવાને કારણે શહેરના વેડરોડ, રાંદેર, અડાજણ, ડિંડોલી સહિત 8 વિસ્તારોની અંદર વૃક્ષો ધરાશાયી થયા હતા. કેટલીક જગ્યાએ જોખમી પતરાઓને લઈને પણ ફાયર વિભાગમાં કોલ આવ્યા હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા વૃક્ષો દૂર કરવા અને જોખમી પતરા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.