ડિજિટલ એરેસ્ટ મુદ્દે સુપ્રીમનું આકરુ વલણ, CBI ને સોંપાશે તપાસ
- તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશનો સુપ્રીમ કોર્ટે પાઠવી નોટીસ
- ડિજીટલ એરેસ્ટને લઈને ફરિયાદો અંગે સુપ્રીમ કોર્ટે માંગી વિગતો
નવી દિલ્હી: દેશમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ એરેસ્ટ કૌભાંડો મામલે સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારી છે અને આ કૌભાંડોના સંદર્ભમાં નોંધાયેલા ફરિયાદની વિગત રજૂ કરવા નિર્દેશ કર્યો છે. છેતરપિંડી કરનારાઓ દ્વારા લોકોને ફસાવીને લાખો રૂપિયા લૂંટવામાં આવી રહ્યા છે, જેની ગંભીરતા ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતે આ મામલાઓની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવાની સંભાવના વ્યક્ત કરી છે. અદાલતે સીબીઆઇને પણ પૂછ્યું છે કે શું એજન્સી આવા કિસ્સાઓની તપાસ માટે સજ્જ છે કે નહીં.
આ કેસની સુનાવણી સુઓ મોટો (સ્વપ્રેરિત) અરજી તરીકે 17 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી હતી. અદાલતે નોંધ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ડિજિટલ એરેસ્ટના અનેક કેસોમાં લોકોની ઠગાઈથી ભારે આર્થિક હાનિ થઈ છે. ન્યાયાલયે સ્પષ્ટ કર્યું કે, આવા ગુનાઓને અટકાવવા માટે રાષ્ટ્રીય સ્તરે સમન્વિત કાર્યવાહી જરૂરી છે અને જો જરૂરી હોય તો તપાસ સીબીઆઇ જેવી કેન્દ્રિય એજન્સીને સોંપી શકાય. સર્વોચ્ચ અદાલત આ કેસની આગામી સુનાવણી દરમિયાન રાજ્યો અને સીબીઆઇ પાસેથી મળેલાં પ્રતિસાદના આધારે આગળનો નિર્ણય લેશે.