અડાલજ-મહેસાણા હાઈવે પર એસટીની વોલ્વો બસ બળીને ખાક, પ્રવાસીઓનો બચાવ
- ધાનેરા-અમદાવાદ રૂટની વોલ્વો બસમાં અચાનક આગ લાગી,
- બસના ચાલકે સમયસુચકતા દાખવી પ્રવાસીઓને બસમાંથી ઉતારી દીધા,
- ગાંધીનગર ફાયરબ્રિગેડે આગ બુઝાવી
ગાંધીનગરઃ જિલ્લાના અડાલજ-મહેસાણા નેશનલ હાઈવે પર અડાલજ નજીક એસટીની વોલ્વો બસમાં આગ લાગતા બસ બળીને ખાક થઈ હતી. વોલ્વોબસ ધાનેરાથી અમદાવાદ આવી રહી હતી. ડ્રાઈવરની સમયસુચકતાથી તમામ પ્રવાસીઓનો બચાવ થયો હતો.
આ બનાવની વિગતો એવી છે કે, અડાલજ મહેસાણા હાઇવે રોડ પર એસટીની ધાનેરાથી અમદાવાદ રૂટની વોલ્વો બસમાં અચાનક શોર્ટ સર્કિટનાં લીધે આગ ભભૂકી ઉઠી હતી. અને જોતજોતામાં ગણતરીની મિનિટોમાં બસ બળીને ખાક થઈ ગઈ હતી. જો કે બસમાં શોર્ટ સર્કિટ થયાનો અંદાજો આવી જતાં ડ્રાઇવર કંડકટરે સમયસૂચકતા વાપરીને મુસાફરોને તાકીદે નીચે ઉતારી દેતા મોટી જાનહાનિ ટળી ગઈ હતી. બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડ ટીમે ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવી લીધો હતો.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ ગાંધીનગરના અડાલજ મહેસાણા હાઇવે ઉપર રાતે એસટીની વોલ્વો બસમાં આગ લાગી હતી. જીએસઆરટીસીની ધાનેરાથી અમદાવાદ રૂટની વોલ્વો બસ મહેસાણા હાઇવે પરથી પસાર થઇ રહી હતી. દરમિયાન શેરથા કસ્તુરી નગરની સામે બસ દોડી રહી હતી. ત્યારે અચાનક બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. જેનાં લીધે બસના ડ્રાઈવર સુખુભા રાણાએ બસને તાત્કાલિક રોડ સાઈડ પર ઉભી રાખી દીધી હતી. અને બસના તમામ મુસાફરોને નીચે ઉતારી દઈ સલામત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા હતા. શરૂઆતમાં બસના વચ્ચેના ભાગે આગ લાગી હતી. બાદમાં જોતજોતામાં આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી બસને ઝપેટમાં લઈ લીધી હતી. દ્રશ્ય જોઈને મુસાફરો ઉપરાંત રાહદારી વાહન ચાલકો પણ ફફડી ઉઠયા હતા. દરમિયાન હાઇવે પેટ્રોલીંગની ગાડીએ ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેનાં પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગમાં બસ સળગીને ખાક થઈ ગઈ હતી.