શાળાના બાંધકામની ગુણવત્તા સામે નરમ વલણ રાખનારાઓ સામે કડક કાર્યવાહી કરાશેઃ પ્રફુલ પાનશેરિયા
ગાંધીનગરઃ રાજ્યની કોઈ પણ શાળાના બાંધકામની ગુણવત્તા સામે નરમ વલણ રાખનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે એમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જણાવ્યું હતું. જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખજુરી હડમતિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના નબળા બાંધકામ અંગે ગ્રામજનોએ 19 માર્ચે પાનશેરિયાને ફરિયાદ કરી હતી. ત્યારબાદ પાનશેરિયાએ સમગ્ર શિક્ષા કચેરી અને સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
પાનશેરિયાએ કહ્યું, રાજ્યની શિક્ષણ ઇમારતોના બાંધકામમાં નબળી ગુણવત્તા નહીં ચાલે. શિક્ષણની અંદર ગેરવહીવટ કે ગેરરીતિ સાખી લેવાશે નહીં; તાત્કાલિક સરકાર કાર્યવાહી કરશે. રાજ્યની જે શાળાનું કામ નબળું હશે તે બાંધકામ તોડી પડાશે તેમ પણ પાનશેરિયાએ ઉમેર્યું હતું.
વિધાનસભાના ગૃહમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની 2 હજાર 534 કરોડ 83 લાખ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર થઈ હતી. મુખ્યમંત્રી વતી રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ માગણીઓ રજૂ કરતાં જણાવ્યું કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ- STEM આધારિત સમાજ, વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે જણાવ્યું કે આઈ.ટી. નીતિ 2022-27થી રાજ્યમાં એક લાખ નવી રોજગારીનું સર્જન થશે અને રાજ્યની આઈ.ટી. નિકાસ આઠ ગણી વધારીને 25 હજાર કરોડ રૂપિયા સુધી કરવાનો લક્ષ્યાંક છે. તેમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26ના અંદાજપત્રમાં નવી બાબત તરીકે ‘ગુજરાત આદિવાસી વસ્તી માટે સંદર્ભ જીનોમ ડેટાબેઝનું નિર્માણ’ના પ્રોજેક્ટ માટે 4 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ છે.