ગુજરાતમાં આજે 28 તાલુકામાં પડ્યો વરસાદ, સુરતમાં 3 ઈંચ વરસાદથી પાણી ભરાયા
- સુરતમાં બે કલાકમાં ત્રણ ઈંચ અને નવસારીમાં 2 ઈંચ,
- મેઘરાજાની વિદાય ટાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ,
- સુરતના અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે આજે બુધવારે 28 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સુરતમાં માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે નવસારીમાં બે ઈંચથી વધુ, જલાલપોરમાં દોઢ ઈંચ, આ ઉપરાંત વાપી, ઉંમરપાડા, બારડોલી, પલસાણા, વ્યારા સહિત 28 તાલુકામાં વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી, અને આગાહી મુજબ જ સુરતમાં માત્ર બે કલાકમાં જ ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. અચાનક શરૂ થયેલા આ ધોધમાર વરસાદને કારણે સુરત શહેરના ના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના વેસુ, અઠવા, અડાજણ, કતારગામ અને વરાછા જેવા મુખ્ય વિસ્તારોના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને અડાજણ સર્કલ પાસે તો પાણી એટલું ભરાયું હતું કે, બાઇક અડધી ડૂબી ગઈ હતી. વરસાદની સાથે જ વિઝિબિલિટી એટલે કે દૃશ્યતા પણ ઘટી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વાહનો પાણી ભરાવાને કારણે બંધ પડી ગયા હતા. જેના પરિણામે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. કામકાજ માટે બહાર નીકળેલા લોકો પણ રસ્તામાં જ અટવાઈ ગયા હતા. ટ્રાફિકજામના દ્રશ્યો ઠેર-ઠેર જોવા મળ્યા હતા અને ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવનને પણ અસર થઈ હતી.
સુરત સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ ઓફિસની બહાર અને જુના ટ્રોમા સેન્ટરની બહાર પાણી ભરાવાના કારણે દર્દીઓને લઈને જતી ઈલેક્ટ્રિક વાહન પણ બંધ પડી ગયું હતું. આ સાથે જ એક રીક્ષા પણ આ પાણીના કારણે ગટરમાં ઘૂસી ગઈ હતી. જ્યારે એક બાઈક પણ આ ગટરમાં ફસાઈ ગયું હતું. ઘૂંટણ સુધીના પાણીના કારણે સિવિલ હોસ્પિટલના દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યોગ્ય નિકાલ ન હોવાના કારણે આ પાણીનો ભરાવો થઈ ગયો હતો.