સુરેન્દ્રનગર જિલ્લામાં અસહ્ય ગરમીને લીધે એસટી બસના ટ્રાફિકમાં 25 ટકાનો ઘટાડો
- પ્રતિદિન 14,000 પ્રવાસીઓના ધસારા સામે હવે માત્ર 10,000 પ્રવાસીઓ પ્રવાસ કરે છે
- સુરેન્દ્રનગરના બસ સ્ટેશનમાં પણ પ્રવાસીઓની પાંખી હાજરી
- મોટાભાગની એસટી બસો ખાલીખમ જોવા મળે છે
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને વટાવી ગયો છે. કાળઝાળ ગરમીને લીધે લોકો બહારગામ જવાનું ટાળી રહ્યા છે. તેના લીધે એસટી બસના પ્રવાસી ટ્રાફિકમાં ઘટાડો થયો છે. પ્રતિદિન સરેરાશ 14 હજાર જેટલા પ્રવાસીઓ એસટી બસોનો લાભ લેતા હોય છે. તેની સામે હાલ 10,000 જેટલા જ પ્રવાસીઓ આવી રહ્યા છે. આમ સુરેન્દ્રનગર એસટી ડેપોમાં 25 ટકા પ્રવાસીઓમાં ગરમીના કારણે ઘટાડો નોંધાયો છે.
રાજકોટ એસટી ડિવિઝન દ્વારા સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી તેમજ ચોટીલા એસટી ડેપોમાંથી બસો દોડાવીને તેનું સંચાલન કરવામાં આવે છે. જેમાં સુરેન્દ્રનગર એસટી ડેપો દ્વારા રોજ 60થી વધુ બસો વિવિધ રૂટ્સ પર દોડાવવામાં આવી રહી છે. હાલ ઉનાળની અસહ્ય ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે ગરમીને લીધે લોકો બહારગામ જવાનું ટાળી રહ્યા છે. તેના કારણે એસટી બસના ટ્રાફિકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર એસટી ડેપોમાં દૈનિક 14000થી વધુ પ્રવાસીઓ આવ-જા કરતા હોવાથી દૈનિક રૂ. 9થી 10 લાખની આવક થતી હતી. પરંતુ આકરા તાપના કારણે હાલ દૈનિક 10,000 જેટલા પ્રવાસીઓ એસટી બસનો લાભ લઇ રહ્યા છે. જેના કારણે દૈનિક આવકમાં પણ ઘટાડો થતાં રૂ. 7 લાખ જેટલી સરેરાશ આવક થઈ રહી છે. આમ એક સમયે સુરેન્દ્રનગર એસટી ડેપોમાંથી જામતી મુસાફરોની ભીડમાં પણ 25 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. શહેરના એસટી બસ સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળતી નથી. બપોરના સમયે તો બસ સ્ટેન્ડમાં ખૂબ ઓછા પ્રવાસીઓ જોવા મળતા હોય છે. એસટી બસો પણ ખાલીખમ દોડી રહી છે.