ભારતીય ટી20 ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવે તેવી અટકળો
ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. ગયા વર્ષે, સૂર્યકુમાર યાદવને ભારતના T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ, ભારતે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 શ્રેણી 4-1થી જીતી હતી, પરંતુ સૂર્યકુમારને હવે કેપ્ટન પદેથી દૂર કરીને ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કમાન સોંપવામાં આવે તેવી અટકળો વહેતી થઈ છે.
રિપોર્ટ અનુસાર ભારતની T20 ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી શકે છે. આનું મુખ્ય કારણ કેપ્ટનશીપ મળ્યા પછી સૂર્યકુમારનું ખરાબ ફોર્મ છે. એમાં કોઈ શંકા નથી કે જ્યારથી સૂર્યકુમાર કેપ્ટન બન્યો છે, ત્યારથી તેના બેટમાંથી રન નથી નીકળ્યા. બીજી તરફ, હાર્દિક પંડ્યા સતત બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, હવે સમાચાર છે કે હાર્દિકને ભારતની T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણીની વાત કરીએ તો, સૂર્યકુમાર યાદવ પહેલી T20માં શૂન્ય રને આઉટ થયા હતા. પછી બીજી ટી20માં તે ફક્ત 12 રન બનાવી શક્યો. સૂર્યાએ ત્રીજી ટી20માં 14 રન બનાવ્યા. ચોથી ટી20માં સૂર્યકુમાર ફરીથી શૂન્ય પર આઉટ થયો અને પાંચમી ટી20માં તેના બેટમાંથી ફક્ત બે રન જ નીકળ્યા હતા. આ આખી શ્રેણીમાં સૂર્યકુમાર યાદવના બેટમાંથી ફક્ત 28 રન જ આવ્યા હતા. આ શ્રેણીમાં ઇંગ્લેન્ડના બોલરોએ સૂર્યા કરતાં વધુ રન આપ્યા હતા. શ્રેણીના ટોચના 15 બેટ્સમેનોની વાત કરીએ તો, વોશિંગ્ટન સુંદર 32 રન સાથે છેલ્લા સ્થાને હતા.
ઈંગ્લેન્ડ સામેની શ્રેણી પહેલા, દક્ષિણ આફ્રિકામાં પણ સૂર્યકુમાર યાદવનું બેટ શાંત હતું. તે શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં પણ વધારે રન બનાવી શક્યો ન હતો. ભારતે ત્રણેય શ્રેણી જીતી હોવા છતાં, સૂર્યાના ખરાબ ફોર્મ અંગે ચોક્કસપણે પ્રશ્નો ઉભા થયા છે. હવે જોવાનું એ છે કે BCCI ક્યારે અને શું નિર્ણય લે છે.