વડોદરા-ગોરખપુર વચ્ચે ખાસ સાપ્તાહિક ટ્રેન 27મી સપ્ટેમ્બરથી દોડાવાશે
- દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં ટ્રાફિકના ઘસારાને પહોંચી વળવા કરાયો નિર્ણય,
- સાપ્તાહિક ટ્રેન 27 સપ્ટેમ્બરથી 29 નવેમ્બર 2025 સુધી દોડશે,
- આઈઆરસીટીસીની વેબસાઇટ પર આજથી બુકિંગનો પ્રારંભ કરાયો
વડોદરાઃ પશ્વિમ રેલવે દ્વારા દિવાળીના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે ખાસ ટ્રેનો દોડાવવાનું આયોજન કર્યું છે. જેમાં દશેરા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોની સીઝન દરમિયાન પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા માટે વડોદરા-ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવશે.
પશ્વિમ રેલવેની યાદીમાં જણાવ્યા મુજબ વડોદરા-ગોરખપુર સ્પેશ્યલ (સાપ્તાહિક) ટ્રેન 09111 દર શનિવારે વડોદરાથી 19:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 23:30 કલાકે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન 27 સપ્ટેમ્બરથી 29 નવેમ્બર 2025 સુધી દોડશે. તેવી જ રીતે ટ્રેન 09112 ગોરખપુર-વડોદરા સ્પેશ્યલ દર સોમવારે ગોરખપુરથી 5:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 8:00 કલાકે વડોદરા પહોંચશે.
આ ટ્રેન 29 સપ્ટેમ્બરથી 1 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં ગોધરા, રતલામ, કોટા, ગંગાપુર સિટી, ભરતપુર, ઇદગાહ આગ્રા, ટુંડલા, શિકોહાબાદ, મૈનપુરી, ફરુખાબાદ, કાનપુર, માનક નગર, બાદશાહ નગર, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી-2 ટાયર, એસી-3 ટાયર, સ્લીપર ક્લાસ, સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે. ટ્રેનનું બુકિંગ આજે 11 સપ્ટેમ્બર, 2025થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ કરાયુ છે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.