રાજકોટ શહેરમાં વરસતા વરસાદમાં ટ્રાફિક પોલીસની હેલ્મેટ માટે ખાસ ડ્રાઈવ
- શહેરના તમામ સર્કલો પર ટ્રાફિક અને શહેર પોલીસના ધાડે ધાડા ઉતરી પડ્યા,
- 500 થી વધુનો સ્ટાફ ઇ/ચલણ મશીન લઈ ગોઠવાઈ ગયો,
- દ્વીચક્રી વાહનોમાં પાછળ બેસનારાને પણ હેલ્મેટ ફરજીયાત સામે અસંતોષ
રાજકોટઃ રાજ્યમાં શહેરી વિસ્તારમાં આજથી દ્વીચક્રી વાહનચાલકો અને વાહન પાછળ બેઠેલા માટે ફરજિયાત હેલ્મેટનો કાયદો અમલમાં મુકાયો છે. ત્યારે રાજકોટ શહેરમાં આજથી વરસતા વરસાદમાં પોલીસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આજે સવારથી જ પોલીસ શહેરીજનો પર તૂટી પડી હોય તેમ તમામ સર્કલ, પોઈન્ટ પર ટ્રાફિક અને શહેરના તમામ પોલીસ મથકના જવાનોના ઘાડે ધાડા ઉતરી પડ્યા હતા, 500 થી વધુનો સ્ટાફ ઇ-ચલણ મશીન લઈ ગોઠવાઈ ગયો હતો. પોલીસની કડક કાર્યવાહી સામે દ્વીચક્રી વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાજ્યના પોલીસવડા વિકાસ સહાયના આદેશથી મહાનગરોમાં હેલ્મેટ નહીં પહેરનારા દ્વીચક્રી વાહનચાલક સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ તમામ સર્કલ, પોઈન્ટ પર પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં અનેક વાહનચાલકોને પકડીને દંડ વસુલવામાં આવ્યો હતો. કાયદાની કડક અમલવારી માટે શહેરના 48 સ્થળો પર સવારથી જ પોલીસે દંડનીય કાર્યવાહી શરૂ કરી દીધી છે. તો બીજી તરફ કાયદાનો વિરોધ કરવા એક વાહનચાલક હેલ્મેટના બદલે તપેલી પહેરીને નીકળ્યા. લોકોની સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પણ કાયદાની કડક અમલવારીના વિરોધમાં રસ્તા પર ઉતરતા પોલીસ સાથે ઝપાઝપીના દૃશ્યો જોવા મળ્યા.
રાજકોટ શહેરના પાલીસ સૂત્રોના કહેવા મુજબ હેલ્મેટની ફરજિયાત અમલવારીના પ્રથમ દિવસે પ્રથમ ત્રણ કલાકમાં જ 2571 વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ના ફ્કત સામાન્ય લોકો પણ સરકારી કચેરીઓમાં હેલ્મેટ વગર આવેલા કર્મચારીઓ પાસેથી પણ દંડની વસૂલાત કરવામાં આવ્યો હતો. આજે સવારથી જ શહેરના તમામ પોઇન્ટ અને સર્કલ જેવા કે, બહુમાળી ભવન, હેડ કવાર્ટર ચોક, કિશનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, કેકેવી હોલ સર્કલ, ઇન્દિરા સર્કલ, રૈયા ચોકડી, મવડી ચોકડી, ગોંડલ ચોકડી સહિતના તમામ સર્કલ પર ટ્રાફિક અને શહેર પોલીસના જવાનો મળી 500 થી વધું પોલીસ સ્ટાફ ઈ-ચલણ મશીન સાથે મેદાન પર ઉતરી પડ્યો છે. જેમાં વહેલી સવારમાં પોતાના કામ ધંધે કે નોકરી પર જતાં લોકો હેલ્મેટ પહેર્યા વગર નીકળતા પોલીસની ઝપટે ચડી ગયાં હતાં
ટ્રાફિક ડીસીપી ડો. હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લોકોની સુરક્ષા માટે પોલીસ કાયમ આગળ રહે છે અને ખાસ વાહન ચાલકો જ્યારે રસ્તા પર જતાં હોય અને અકસ્માત થાય અને ત્યારે વાહન ચાલકે હેલ્મેટ પહેરેલ ન હોય અને તે ઘટના જીવલેણ બને તે અટકાવવા પોલીસની ફરજ છે.